પાટણના ચંદ્રમણા ગામમાં પતિએ મિત્ર સાથે મળી પત્નીને પતાવી દીધી, પસ્તાવો થતાં ગુનો કબૂલ્યો

પાટણના ચંદ્રમણા ગામમાં 'પતિ, પત્ની ઓર વો' ના ચક્કરમાં પવિત્ર સંબંધને કલંકિત કરતી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પતિ સકતાજી ભેમાજી ઠાકોરને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી ઘરમાં રોજ કંકાસ થતો હતો. આ રોજના ઝઘડાથી પીછો છોડાવવા પાપી પતિએ પોતાના મિત્ર કિસન ઠાકોરની મદદ લઈ પત્નીને કેનાલમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
હત્યા કર્યા બાદ પસ્તાવો થતાં પતિએ પોતે જ પત્નીના કુટુંબીજનો અને પોલીસ સમક્ષ પોતાનો લીધો હતો. આ ચોંકાવનારા ખુલાસા બાદ પાટણ તાલુકા પોલીસે પત્નીની હત્યાના ગુનામાં સકતાજી ઠાકોર અને તેના મિત્ર કિસન ઠાકોર વિરૂદ્ધ મર્ડરનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પતિએ મિત્ર સાથે મળી પત્નીને કેનાલમાં ધક્કો માર્યો
માહિતી મુજબ, સકતાજી ભેમાજી ઠાકોરને એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધને લઈને પતિ-પત્ની વચ્ચે સતત વિવાદ અને કંકાસ ચાલતો હતો. રોજના ઝઘડાથી છૂટકારો મેળવવા માટે સકતાજીએ પોતાના મિત્ર કિસન ઠાકોર સાથે મળીને કાવતરું રચ્યું. બંનેએ મળીને પત્નીને કેનાલ પાસે લઈ જઈ ધક્કો મારી દીધો, જેના કારણે તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
ઘટના બાદ શરૂઆતમાં મામલો અકસ્માત જેવો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે હત્યા કર્યા બાદ પતિને પોતાના કૃત્યનો પસ્તાવો થતાં તેણે પોતે જ પત્નીના પરિવારજનો તેમજ પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાની કબૂલાત કરી દીધી હતી. પતિની કબૂલાત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

