52 અબજના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ!: મહાદેવ એપનો ભાગીદાર પાટણથી ઝડપાયો, દુબઈમાં બેસી રમાડતો હતો સટ્ટો

ભુજ સાયબર સેલની ટીમે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા મહાદેવ એપના ભાગીદારને પાટણથી ઝડપી પાડ્યો છે. ભરત ચૌધરીના મોબાઈલ ફોનમાંથી ક્રિકેટ સટ્ટાની 23 આઇડી પોલીસને મળી હતી. ફોન ચેક કરતા મહાદેવ એપના સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથેના વાર્ષિક ટર્નઓવરના 52 અબજથી વધુના હિસાબો મળી આવ્યા. હાલ ભુજ સાયબર સેલે ભરત ચૌધરી પાસેથી રૂપિયા 15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી 1 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર
ભુજની સાયબર ક્રાઈમને બાતમી મળી હતી કે, ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર એક આરોપી પાટણ ખાતે આવ્યો છે. જે બાતમીના આધારે ભુજ સાયબર ક્રાઈમની ટીમ પાટણ પહોંચી હતી. જ્યાં તેમણે ભરત ચૌધરી નામના શખ્સની ધરપકડ કરી હતી. ભરત ચૌધરીને પોલીસે અદાલતમાં રજૂ કરી 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
કેનેડાની ગ્લોબલ ટી-20 સિવાય પણ ભરત અને તેના સાથીદારો દુબઈમાં બેસીને દેશ-વિદેશમાં ચાલતી અલગ-અલગ ટુનામેન્ટ પર ઓનલાઈન સટ્ટો રમાડતો હતો. આરોપીની પૂછપરછ અને તેનો મોબાઈલ ચેક કરતા નેટવર્ક 52 અબજ રૂપિયાનું નીકળ્યું હતું.
આરોપી અમદાવાદમાં રહેતો હતો
આ મામલે સાયબર ક્રાઈમ PSI યુવરાજસિંહ ગોહિલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, મૂળ રાધનપુર તાલુકાના કમાલપુર ગામનૌ ભરત ચૌધરી નામનો આ આરોપી અમદાવાદના ગોતા ચાર રસ્તા વિસ્તારમાં રહેતો હતો.

