ગોધરાના વટલાવમાં શિક્ષણ વિભાગ સામે ગ્રામજનોનો વિરોધ; શાળા મર્જર અને શિક્ષકોની બદલી મામલે શિક્ષણ કાર્ય અટકાવ્યું

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલી વટલાવ પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ વિભાગની કામગીરી સામે ગ્રામજનોનો ભારે રોષ જોવા મળ્યો છે. શાળા મર્જરનો ઓર્ડર પરત ખેંચાયા બાદ પણ હાજરી મુદ્દે ધાંધિયા અને શિક્ષકોની બદલી કરી દેવાતાં નારાજ ગામલોકોએ શાળાનું શિક્ષણ કાર્ય અટકાવી દેતાં ચકચાર મચી ગઈ છે.
ધારાસભ્યની દરમિયાનગીરી બાદ પણ પ્રશ્ન અકબંધ
મળતી વિગતો અનુસાર, થોડા દિવસો અગાઉ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) દ્વારા વટલાવ ગામના 'સખીદાસની મુવાડી' ફળિયાની શાળાને ગામની મુખ્ય શાળામાં મર્જ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. આ નિર્ણય સામે ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવી સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી હતી. ધારાસભ્યની મધ્યસ્થતા અને દરમિયાનગીરી બાદ શાળા મર્જ કરવાનો નિર્ણય પરત ખેંચવામાં આવ્યો હતો.
મર્જરનો નિર્ણય રદ થયો હોવા છતાં, શાળામાં બાળકોની નિયમિત હાજરી પૂરવામાં આવતી નહોતી અને તેમની હાજરી મુખ્ય શાળામાં જ ગણવામાં આવતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આટલું ઓછું હોય તેમ, તંત્રે સખીદાસની મુવાડી શાળાના શિક્ષકોની અન્યત્ર બદલી કરી દેતાં ગ્રામજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.
DPEOની મનમાની સામે શાસન અટકાવ્યું
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મનસ્વી રીતે નિર્ણયો લઈને બાળકોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા હોવાના ગંભીર આરોપો સાથે ગ્રામજનોએ વટલાવ મુખ્ય શાળા ખાતે પહોંચીને શિક્ષણ કાર્ય રોકાવી દીધું હતું. ગામલોકોએ માંગ કરી છે કે જ્યાં સુધી શાળાનો પ્રશ્ન ઉકેલાશે નહીં અને શિક્ષકોની પુનઃ નિયુક્તિ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે.

