Panchmahal / ₹2.78 કરોડના કૌભાંડમાં નામ ખુલતાં DPEO ગાયત્રી પટેલની હાઈકોર્ટમાં અરજી, પોલીસ કાર્યવાહી રદ કરવાની માગ

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળ ચાલતા ‘સમગ્ર શિક્ષા’ પ્રોજેક્ટમાં આચરાયેલા 2.78 કરોડ રૂપિયાના બહુચર્ચિત ઉચાપત કૌભાંડમાં એક નવો વળાંક આવ્યો છે. આ કૌભાંડની તપાસમાં નામ ખુલ્યા બાદથી પોલીસ પકડથી દૂર રહેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) ગાયત્રીબહેન પટેલે હવે પોતાની સામેની પોલીસ કાર્યવાહી રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.
રજા મૂકીને DPEO ભૂગર્ભમાં ઊતરી જતાં કાનૂની લડત તેજ બની
મળતી માહિતી અનુસાર, કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ દરમિયાન પોલીસ ફરિયાદ નોંધાયા બાદ DPEO ગાયત્રીબહેન પટેલ અચાનક રજા મૂકીને ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાની ચર્ચા શિક્ષણ આલમમાં જોરપકડ્યું છે. પોલીસ ગમે તે ક્ષણે ધડપકડ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ગાયત્રીબહેન પટેલે કાનૂની લડત તેજ કરી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ધરપકડથી બચવા તેમજ ફરિયાદ રદ કરાવવા દાદ માગી છે.
સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ ખરીદીના નામે બોગસ બિલો રજૂ કરીને ૨.૭૮ કરોડ રૂપિયાની માતબર રકમ પગ કરી જવાના આ કૌભાંડમાં અગાઉથી જ ખરીદી દર્શાવનાર એજન્સીઓના સંચાલકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે.
પોલીસ તપાસ ચાલુ હોવા છતાં DPEO હજુ પણ ફરાર
આટલા મોટા પાયે આચરાયેલા નાણાકીય કૌભાંડમાં મુખ્ય જવાબદાર ગણાતા ઉચ્ચ અધિકારીનું નામ સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગમાં ભારે ખળભળાટ મચ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે, પરંતુ કૌભાંડમાં સંડોવાયેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રી પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

