VIDEO: Panchmahal / ગોધરામાં એસટી ડેપો મેનેજરની મહિલા કર્મચારી સાથે ગેરવર્તણૂક, સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST) ના ગોધરા ડેપોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોધરા ડેપો મેનેજર દ્વારા એક મહિલા કંડક્ટર સાથે નોકરી અને ઓવરટાઈમ બાબતે અત્યંત ખરાબ વર્તન અને ગેરવર્તણૂક કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પગલે એસટી વિભાગના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક મહિલા કંડક્ટર પોતાની અંગત મુશ્કેલીઓ કે થાકને કારણે ઓવરટાઈમની ફરજમાંથી મુક્ત કરવા માટે ડેપો મેનેજરને આજીજી કરી રહી છે. મહિલા કર્મચારી અત્યંત વિનમ્રતાથી વિનંતી કરે છે, પરંતુ ડેપો મેનેજર તેના પર દાદાગીરી કરતા અને અત્યંત ખરાબ ભાષામાં વાત કરતા નજરે પડે છે.
અધિકારીની આ જોહુકમી અને અભદ્ર વ્યવહારને ત્યાં હાજર અન્ય કર્મચારીઓએ કેમેરામાં કેદ કરી લીધો હતો. ત્યારબાદ, એસટી વિભાગના અન્ય કર્મચારીઓએ જ આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

