VIDEO: પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: શહેરામાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ, પાનમ ડેમમાં 9,750 ક્યુસેક પાણીની આવક
પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારે 8થી 10 વાગ્યા દરમિયાન શહેરા તાલુકામાં માત્ર 2 કલાકમાં જ અઢી ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના કારણે શહેરાના મુખ્ય રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત શહેરા ઉપરાંત ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી હતી.
પાનમ ડેમની જળસપાટીમાં સતત વધારો
જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે પંચમહાલની જીવાદોરી સમાન પાનમ ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે. માહિતી અનુસાર, હાલ પાનમ ડેમમાં 9,750 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નવી આવક થતાં પાનમ ડેમની જળસપાટી વધીને 123.35 મીટરે પહોંચી છે, જ્યારે ડેમની રુલ લેવલ સપાટી 126.37 મીટર છે. જો ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ રહેશે તો ડેમમાં પાણીની આવકમાં હજુ પણ મોટા પ્રમાણમાં વધારો થવાની શક્યતા છે.

