VIDEO: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો આતંક; 3 બાળકોના મોતથી ફફડાટ, 13 શંકાસ્પદ કેસ નોંધાયા
પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોને લઈને પંચમહાલના ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે 13 બાળકોને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જેમાંથી પંચમહાલ જિલ્લાના 11 અને મહીસાગર જિલ્લાના 2 દર્દીઓનો સમાવેશ થાય છે. ચાંદીપુરા પોઝિટિવ ધરાવતા 2 બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. તેમજ અન્ય 1 બાળ દર્દીનું શંકાસ્પદ લક્ષણો સાથે મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 3 થયો છે. 13 શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્યની ટીમે 24 જેટલાં ગામોમાં સર્વેલન્સ સહિતની કામગીરી શરૂ કરી છે.
પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 3 બાળકોના મોતથી ફફડાટ
ગોધરા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 13 બાળકોમાંથી 3ના મોત થયા છે. જ્યારે 2 બાળકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ અન્ય 6 બાળ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં દાખલ બાળકોના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
24 ગામોમાં સઘન સર્વેલન્સની કામગીરી
આ ગંભીર પરિસ્થિતિને પગલે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. ગત વર્ષે ચાંદીપુરા વાયરસના કેસો મળ્યા એ ગામ મળી સંભવિત કુલ 24 ગામોમાં સઘન સર્વેલન્સ હાથ ધરીને દવા છંટકાવ, તેમજ કાચા મકાનોની દીવાલોની તિરાડો પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સર્વેલન્સ દરમિયાન તંત્ર દ્વારા 450થી વધુ સેન્ડફ્લાય માખીઓ પણ પકડવામાં આવી છે.
આરોગ્ય વિભાગના નાયબ નિયામક સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે 'ચાંદીપુરા વાયરલ ઇન્સેફેલાઇટિસના પંચમહાલ જિલ્લામાં ટોટલ 13 કેસ રિપોર્ટ થયા છે. જેમાંથી 2 પોઝિટિવ છે અને 6ના રિઝલ્ટ પેન્ડિંગ છે. જ્યારે બે કેસ સાજા થતાં ઘેર મોકલવામાં આવ્યા છે. ભૂતકાળમાં જ્યાં ચાંદીપુરા વાયરસના કેસ મળી આવ્યા હતા, એ જગ્યાએ સર્વેલન્સ સ્ટ્રેન્થન, ડસ્ટિંગ, સ્પ્રેઇંગ સહિતની કામગીરી હાથ ધરાઈ છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈને તમામ મેડિકલ ઓફિસરને સૂચનાઓ આપવામાં આવી છે કે, તેઓ સસ્પેક્ટેડ કેસ મળે તો તાત્કાલિક તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલે. તેમજ જો કોઈ બાળકને તાવ, માથાનો દુખાવો, ઊલટી વગેરે થતું હોય તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવા.'
ચાંદીપુરા વાયરસનું નામ કેવી રીતે પડ્યું?
પહેલીવાર વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં તાવથી પીડાતા બે દર્દીઓના લોહીના નમૂનામાંથી મળ્યો હતો. જેના કારણે આ વાયરસનું નામ ચાંદીપુરા જ રાખવામાં આવ્યું. ત્યારબાદ વર્ષ 2003માં આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં આ વાયરસના કેસ નોંધાયા હતા. આ રોગની સૌથી વધારે અસર બાળકોમાં જોવા મળે છે. વર્ષ 2014 પછી મહારાષ્ટ્ર, ગુજરાત અન્ય રાજ્યોમાં ચાંદીપુરાના કેસો નોંધાઈ રહ્યા છે.
શું સાવચેતી રાખવી ?
ઘરની દીવાલોની તિરાડો, છિદ્રો સિમેન્ટ-માટીથી પૂરી દેવા.
ઘરમાં સૂર્યપ્રકાશ અને હવા-ઉજાસ મળી રહે તેવી વ્યવસ્થા કરો.
15 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક મચ્છરદાનીમાં જ સુવડાવો.
જો બાળકને તાવ, ઉલ્ટી, ખેંચ આવે તો હોસ્પિટલનો સંપર્ક કરવો.
બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહાર ધૂળ-માટીમાં રમવા દેવા નહીં.
ઘરની આસપાસ કચરો કે ભેજ થવા દેવો નહીં.
ચાંદીપુરા વાયરસ શેનાથી ફેલાય છે?
ચાંદીપુરા વાયરસ સેન્ડફ્લાય નામની અત્યંત નાની માખી કરડવાથી ફેલાય છે. આ ઘાતક માખીઓ ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોના કાચા ઘરોની દીવાલોની તિરાડો, છિદ્રો અને ભેજયુક્ત લીંપણવાળા વાતાવરણમાં જોવા મળે છે. આવી જગ્યાએ જ ચેપ ફેલાવતી માખીઓ ફુલેફાલે છે.
ચાંદીપુરાના લક્ષણો
આ રોગમાં બાળકને શરૂઆતમાં અચાનક તીવ્ર તાવ આવે છે. તાવ આવ્યા બાદ સતત ઝાડા ઉલ્ટી થવી, શરીરમાં ખેંચ આવવી જેવા લક્ષણો જોવા મળે છે. પરિસ્થિતિ વધુ બગડતાં બાળક અર્ધબેભાન કે સંપૂર્ણ બેભાન પણ થઈ શકે છે. 24થી 48 કલાકની અંદર સારવાર ન મળે તો બાળકનું મૃત્યુ નું જોખમ રહેલું છે.

