પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ , ગુજરાતના 141 તાલુકામાં મોસમનો કુલ વરસાદ 54.28% નોંધાયો, 7 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતના 141 તાલુકામાં આજે 2 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં સરેરાશ વરસાદ વધીને હવે 54.28 ટકા થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી 1 સપ્તાહ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ યથાવત છે. દક્ષિણ પર હજી પણ વરસાદનો ખતરો છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતમાં મન મુકીને
આજે દાહોદ, પંચમહાલ, મહીસાગર, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ જોવા મળ્યું હતું. જેમાં દાહોદના લીમખેડામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય ખેડાના મહેમદાવાદમાં 1.75 ઈંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 1.75 ઈંચ, અમદાવાદના દસક્રોઈમાં 1.55 ઈંચ, પાલનપુરમાં 1.50 ઈંચ, ખેડાના કઠલાલમાં 1.50 ઈંચ અને ઠાસરામાં 1.50 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જ્યાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો તેમાં અમદાવાદના ધોલેરા-ધોળકા-ધંધુકા, વલસાડના નાનાપોંઢા, સુરેન્દ્રનગરના ચૂડા, આણંદના ખંભાત, અરવલ્લીના સાઠંબા-બાયડ, ડાંગ, બનાસકાંઠાના ડીસા અને વલસાડના કપરાડાનો સમાવેશ થાય છે.
પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે વાવ થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા અને તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

