VIDEO: પાવાગઢના ડુંગરે સર્જાયો ઈતિહાસ: ભારતમાં ક્યારેય ન દેખાયેલું જાપાનીઝ પક્ષી 'બ્લુ એન્ડ વ્હાઈટ ફ્લાયકેચર' પહેલીવાર જોવા મળ્યું
VIDEO: રાજ્યના વિખ્યાત યાત્રાધામ પાવાગઢ તેના ધાર્મિક અને નૈસર્ગિક સૌંદર્ય માટે જાણીતું છે, પરંતુ આ વખતે તે એક દુર્લભ ખગોળીય ઘટનાને કારણે ચર્ચામાં આવ્યું છે. પાવાગઢના ડુંગરોમાં વન વિભાગની ટીમ જ્યારે બીજ એકત્રીકરણની કામગીરી કરી રહી હતી, ત્યારે તેમને એક એવું પક્ષી જોવા મળ્યું જે સામાન્ય રીતે ભારતના નકશા પર જોવા મળતું નથી. આ પક્ષી 'બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાયકેચર' (Blue-and-white Flycatcher) હોવાની પુષ્ટિ થઈ છે.
પાણી પીવા આવ્યું ને કેમેરામાં કેદ થયું
વન વિભાગનો સ્ટાફ પાવાગઢના ડુંગરોમાં વન્યજીવો માટે ઉભા કરવામાં આવેલા પાણીના સ્ત્રોત પાસે નિરીક્ષણ કરી રહ્યો હતો. આ દરમિયાન એક અત્યંત સુંદર અને ચમકતા વાદળી રંગનું પક્ષી ત્યાં પાણી પીવા ઉતર્યું હતું. વન વિભાગના તજજ્ઞોએ ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા જાણવા મળ્યું કે આ પક્ષી ભારતનું વતની નથી, પરંતુ હજારો કિલોમીટર દૂર પૂર્વ એશિયાથી અહીં આવ્યું છે.

જાપાન અને કોરિયાનું મહેમાન પાવાગઢમાં!
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, 'બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાયકેચર' પ્રજાતિનું મુખ્ય નિવાસસ્થાન જાપાન, કોરિયા, ચીન અને રશિયાના કેટલાક ભાગો છે. શિયાળા દરમિયાન આ પક્ષીઓ દક્ષિણ-પૂર્વ એશિયા જેવા કે વિયેતનામ અને થાઈલેન્ડ તરફ પ્રયાણ કરે છે, પરંતુ ભારતમાં તેની નોંધ અત્યંત જૂજ અથવા નહિવત છે. પાવાગઢ ખાતે જોવા મળેલું આ પક્ષી 'નર' (Male) હોવાનું જણાયું છે.
પક્ષી પ્રેમીઓમાં ખુશીનો માહોલ
આ પક્ષી માઈગ્રેટ (સ્થળાંતર) કરીને ભૂલેચૂકે કે પવનની દિશા બદલાવાને કારણે ગુજરાતના પાવાગઢ સુધી પહોંચ્યું હોય તેવી શક્યતા છે. ભારતમાં આ પ્રજાતિની આ પ્રકારની આ પ્રથમ સત્તાવાર નોંધ માનવામાં આવી રહી છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા પક્ષી પ્રેમીઓ અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સમાં આ પક્ષીની એક ઝલક મેળવવા માટે ભારે જિજ્ઞાસા જાગી છે

