VIDEO: પદ્મશ્રી એવોર્ડ 2026: જૂનાગઢના હાજીભાઈ કાસમભાઈ રાઠોડનું સન્માન, ગાય અને મંદિરો માટે વાપરી છે પોતાની કલા
Padma Awards 2026 : 26મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વ

Padma Awards 2026 : 26મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વ પૂર્વે જાહેર થયેલા પદ્મ પુરસ્કારોમાં ગુજરાતના ફાળે મોટી સફળતા આવી છે. જૂનાગઢના વતની અને પ્રખ્યાત તબલાવાદક હાજીભાઈ કાસમભાઈ રાઠોડ, જેઓ કલા જગતમાં ‘હાજી રમકડું’ તરીકે જાણીતા છે, તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર મળતા જ જૂનાગઢના કલાપ્રેમીઓ અને તેમના પરિવારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
સાંપ્રદાયિક સૌહાર્દના પ્રણેતા
હાજીભાઈની વિશેષતા એ છે કે એક મુસ્લિમ કલાકાર હોવા છતાં તેમણે ગાયોના લાભાર્થે અને હિન્દુ મંદિરો માટે પોતાની કલાનો નિઃસ્વાર્થ ભાવે ઉપયોગ કર્યો છે. તેઓ 10 વર્ષની નાની ઉંમરથી ઢોલક વગાડી રહ્યા છે. તેમણે નારાયણ સ્વામી, પ્રાણલાલ વ્યાસ અને દિવાળીબેન ભીલ જેવા દિગ્ગજ કલાકારો સાથે 25,000થી વધુ સ્ટેજ પ્રોગ્રામ્સ આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે. માત્ર લોકસંગીત જ નહીં, પણ હિન્દી ફિલ્મોમાં પણ તેમણે પોતાના ઢોલકનો જાદુ વિખેર્યો છે.
વર્ષોની પ્રતીક્ષાનો આવ્યો અંત
હાજીભાઈ વર્ષ-20217થી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા હતા કે તેમને જીવતે જીવ આ સન્માન મળે. આખરે ભારત સરકારે તેમની વર્ષોની તપસ્યાની કદર કરી છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ તેમના ઘરે જઈને અભિનંદન પાઠવ્યા હતા. કવિ દાદ અને ભીખુદાન ગઢવી જેવા રત્નો બાદ હવે હાજી રમકડુંનું નામ પદ્મશ્રીની યાદીમાં જોડાતા જૂનાગઢનું ગૌરવ વધ્યું છે.





