નકલી જજ પ્રકરણ: મોરીસથી ઠગાયેલા બીજા લોકો પણ સામે આવ્યા, 70 લાખ પડાવ્યાનો નવો આરોપ
નકલી જજ અને કોર્ટ ઉભી કરી અબજો રૂપિયાની કિંમતની સરકારી જમીનો ખાનગી વ્યક્તિઓને પધરાવી દેવાના કૌભાંડ

નકલી જજ અને કોર્ટ ઉભી કરી અબજો રૂપિયાની કિંમતની સરકારી જમીનો ખાનગી વ્યક્તિઓને પધરાવી દેવાના કૌભાંડમાં પકડાયેલા નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને કારંજ પોલીસે લોખંડી પોલીસ જાપ્તા સાથે ઘી કાંટા ફોજદારી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનના 11 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા આવ્યા છે. આરોપી મોરીસ કેટલા વર્ષોથી આ પ્રકારે નકલી જજ તરીકે કામ કરતો હતો, અને અત્યાર સુધીમાં આ પ્રકારે તેણે કેટલા બોગસ ઓર્ડોરો અને કયા કયા કેસોમાં કર્યા છે. તેની માહિતી મેળવવાની છે, આરોપીએ નકલી જજ બનીને અત્યાર સુધીમાં કેટલા લોકોને છેતર્યા છે, અને કેટલા લોકો પાસેથી નાણાં પડાવ્યા છે?, તેની તપાસ કરવાની છે.
બે શખ્સોએ ફરિયાદ દાખલ કરી કે મોરીસે 70 લાખ પડાવ્યા
રિમાન્ડ અરજીમાં પોલીસે અદાલત સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે મીડિયામાં આ નકલી જજના પ્રસિદ્ધ થયેલા અહેવાલો બાદ વદુ બે ફરિયાદી પોલીસમાં ફરિયાદ માટે આવ્યા છે, જેઓની પાસેથી નકલી જજ મોરીસ ક્રિશ્ચિયને 70 લાખ રૂપિયા પડાવ્યા હતા.
ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામ ખાતે પણ આર્બીટ્રેટર જજ તરીકે બેસતો હતો ઠગબાજ
આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામ ખાતે પણ આર્બીટ્રેટર જજ તરીકે બેસતો હતો અને ગાંધીનગર કોર્ટ ખાતે પણ લોક અદાલત ચલાવી હતી, તેથી તે બાબતને લઈ વિશેષ પૂછપરછ કરવાની છે, છત્રાલ ખાતે પણ તે ઓફિસ ધરાવતો હોઈ ત્યાં પણ તપાસ કરવી પડે એમ છે. આ સિવાય આરોપીએ અન્ય ક્યાં ક્યાં ઓફિસો અને કોર્ટ-કચેરીઓ ખોલી હતી તેની માહિતી કઢાવવાની છે.
ઈન્ડિયન કાઉન્સીલ ઓફ આર્બીટ્રેશનમાં કયા આધારે મેમ્બરશીપ મેળવી?
આરોપીએ ઈન્ડિયન કાઉન્સીલ ઓફ આર્બીટ્રેશનમાં કયા આધારે મેમ્બરશીપ મેળવી? હાઈકોર્ટે વિવિધ કેસોમાં અગાઉ આરોપીને લઈ કરેલી ટિપ્પણીઓ અને અવલોકનોને લઈ તપાસ કરવાની છે. આરોપીએ આ પ્રકારના કામ કરવા માટે ઉપયોગમાં લીધેલ કોમ્પ્યુટર-લેપટોપ સહિતના ગેઝેટ્સ કબ્જે કરવાના છે, આરોપીએ બોગસ હુકમો માટે તૈયાર કરેલ સહી-સિક્કા અને રબર સ્ટેમ્પને લઈને તેની પાસેથી માહિતી કઢાવવાની છે.






