VIDEO : નવસારીમાં પ્રથમ વરસાદે જ પાલિકાના દાવાઓની ખોલી પોલ, સોસાયટીઓ પાણીમાં ગરકાવ
નવસારી શહેરમાં ચોમાસાના પ્રથમ સામાન્ય વરસાદમાં જ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. આજે સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધીમાં માત્ર એક ઇંચ (૨૩ મીમી) વરસાદ નોંધાયો હતો, પરંતુ એટલામાં જ શહેરના વોર્ડ નંબર ૮ માં આવેલા અલકાપુરી વિસ્તાર સહિત અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અન્ય તાલુકાઓની વાત કરીએ તો જલાલપોરમાં ૭ મીમી અને ગણદેવીમાં ૨ મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે ચીખલી, વાંસદા અને ખેરગામમાં હજુ મેઘરાજાની પ્રતીક્ષા છે. વરસાદને પગલે જિલ્લાની નદીઓની સપાટીમાં પણ વધારો થયો છે, જેમાં પૂર્ણા નદી ૧૦ ફૂટ, અંબિકા ૧૧ ફૂટ અને કાવેરી નદી ૮ ફૂટે વહી રહી છે, જે હાલ ભયજનક સપાટીથી ઘણી નીચે છે. આ તરફ જૂજ ડેમની સપાટી ૧૪૭.૮૦ ફૂટ અને કેલિયા ડેમની સપાટી ૯૯.૨૫ ફૂટે પહોંચી છે.

