VIDEO: નવસારીના ગણદેવા ગામે વીજ કંપનીની ગંભીર બેદરકારી? જીવંત વાયર ટેમ્પોને અડતાં 10 લોકોને લાગ્યો કરંટ, ઘટનાસ્થળે જ 3ના મોતથી અફરાતફરી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા ગણદેવા ગામે હટવાડા ફળિયા ખાતે એક અત્યંત અરેરાટીભરી ઘટના સામે આવી છે. અહીં રસ્તા પર પડેલા જીવંત (લાઈવ) વીજતારના સંપર્કમાં એક ટેમ્પો આવી જતાં, તેમાં સવાર 10 લોકોને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાની સાથે જ વિસ્તારમાં ભારે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત
આ ભયાનક દુર્ઘટનામાં કરંટ લાગવાના કારણે 3 યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. તમામ મૃતકો ગણદેવા ગામના નહેર ફળિયાના રહેવાસી હતા.
મૃતકોની યાદી:
કલ્પેશ અરુણભાઈ હળપતિ (ઉંમર: 25 વર્ષ)
નિતિન વિનોદભાઈ હળપતિ (ઉંમર: 35 વર્ષ)
જિગર નિતિનભાઈ હળપતિ (ઉંમર: 23 વર્ષ)
ઈજાગ્રસ્તો સારવાર હેઠળ, 1 ની હાલત ગંભીર
આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો પૈકી 3 યુવાનોને તાત્કાલિક અસરથી ગણદેવીની ખારેલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તની હાલત વધુ ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા આ ઘટના અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

