Narmada news: ડેડિયાપાડાના ફુલસર-દૂથર ગામના લોકો આખરે મતદાન કરવા પહોંચ્યા, ધારાસભ્યએ સમગ્ર મામલો થાળે પાડ્યો

સોર્સ : gstv
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ફુલસર-દૂથર ગામે રસ્તાના પ્રશ્ને ગ્રામજનોએ કરેલો ચૂંટણી બહિષ્કાર AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મધ્યસ્થી બાદ અંતે સમેટાયો છે. ફુલસરથી દૂથર સુધીનો મંજૂર થયેલો ડામર રોડ વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ ક્લિયરન્સના અભાવે અટકાવી દેવાતા રોષે ભરાયેલા ગ્રામજનોએ મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો.
એક મહિનામાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે
આ ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય ચૈતર વસાવા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગના અધિકારીઓએ લેખિતમાં બાંહેધરી આપી હતી કે, જરૂરી મંજૂરીઓ મેળવી આગામી એક મહિનામાં રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તંત્ર તરફથી લેખિત ખાતરી મળતા ગ્રામજનોએ આખરે મતદાન શરૂ કર્યું હતું, જેનાથી રાજપીપળા પંથકમાં ચૂંટણીના દિવસે સર્જાયેલો ગંભીર વિવાદ ઉકેલાયો હતો.

