Morbi news: હળવદમાં 344 વીઘા જમીન પચાવી પાડનાર મુખ્ય સૂત્રધાર રમેશ કોળી પોલીસ ગિરફ્તમાં, અનેક નામ ખુલવાની શક્યતા

Morbi news: મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ચકચાર જગાવનાર બહુચર્ચિત 344 વીઘા જમીન કૌભાંડમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. બોગસ દસ્તાવેજોના આધારે કરોડોની જમીન પચાવી પાડવાના આ કારસામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારને પોલીસે દબોચી લીધો છે.
શું છે સમગ્ર મામલો? હળવદ તાલુકાના કોયબા, સુંદરી ભવાની અને ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલી કુલ 344 વીઘાથી વધુ જમીન પર ભૂમાફિયાઓએ નજર બગાડી હતી. વર્ષ 2016થી 2020ના સમયગાળા દરમિયાન આ ટોળકી દ્વારા વ્યવસ્થિત કાવતરું રચીને જમીનના બોગસ અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. આ ખોટા દસ્તાવેજોના આધારે સરકારી અને ખાનગી માલિકીની જમીનો પચાવી પાડવામાં આવી હતી.
મામલતદારની ફરિયાદ અને પોલીસ કાર્યવાહી આ કૌભાંડ પ્રકાશમાં આવતા હળવદ મામલતદારે ગંભીર નોંધ લીધી હતી. આશરે બે મહિના પહેલા મામલતદારે આ પ્રકરણમાં 2 મહિલા સહિત કુલ 9 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અગાઉ પોલીસ તપાસમાં આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, પરંતુ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર હતો.
મુખ્ય સૂત્રધારની ધરપકડ અને મોટા ખુલાસાની શક્યતા પોલીસની સતત વોચ અને તપાસના અંતે આખરે આ જમીન કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઈન્ડ ગણાતો રમેશ બાબાભાઈ કોળી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
રમેશ કોળીની ધરપકડ બાદ હવે તપાસનો રેલો મોટા માથાઓ સુધી પહોંચે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. 2016થી 2020 સુધી ચાલેલા આ કૌભાંડમાં સરકારી રેકોર્ડ સાથે ચેડાં કરવા અને બોગસ દસ્તાવેજો પ્રમાણિત કરવામાં સરકારી બાબુઓની મિલીભગત હોવાની આશંકા છે. મુખ્ય સૂત્રધારની સઘન પૂછપરછમાં અનેક ભ્રષ્ટ અધિકારીઓ અને અન્ય મોટા ગજાના લોકોના નામ સામે આવે તેવી શક્યતા છે, જેને લઈને સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

