VIDEO: ખોખરામાં અસામાજિક તત્વોનો આતંક, નજીવા મુદ્દે ફાસ્ટ ફૂડ સંચાલક અને પરિવાર પર હુમલો
VIDEO: અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો જાણે પોલીસનો ડર ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે. ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં ગત મોડી રાત્રે બે નામચીન શખ્સોએ ભારે આતંક મચાવ્યો હતો. માત્ર સિગારેટના પૈસાની માંગણી કરવા જેવી સામાન્ય બાબતે આ શખ્સોએ ફાસ્ટ ફૂડ પાર્લરના સંચાલક, તેમના પરિવાર પર હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે.
સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું
મળતી માહિતી મુજબ,અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા એક ફાસ્ટ ફૂડ પાર્લર પર બે શખ્સો આવ્યા હતા. આ શખ્સોએ ત્યાંથી સિગારેટ લીધી હતી, પરંતુ જ્યારે સંચાલકે તેની કિંમત એટલે કે પૈસા માંગ્યા, ત્યારે આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. નશાની હાલતમાં હોવાનું મનાતા આ શખ્સોએ દુકાનદાર સાથે બોલાચાલી શરૂ કરી હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં પરિણમી હતી.
પરિવાર સાથે અભદ્ર વર્તન અને તોડફોડ
અસામાજિક તત્વોનો આતંક આટલેથી જ ન અટક્યો. આરોપીઓએ દુકાનદારની સાથે સાથે ત્યાં હાજર તેના પરિવારના સભ્યો પર પણ હુમલો કર્યો હતો. નશામાં ધૂત આ શખ્સોએ અપશબ્દો બોલ્યા અને દુકાન પર પથ્થરમારો કરીને માલ-સામાનની તોડફોડ કરી હતી. ધોળે દિવસે કે જાહેર માર્ગો પર આ પ્રકારે આતંક મચાવીને તેઓએ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ પેદા કર્યો હતો.
કોણ છે આ આરોપીઓ?
હુમલો કરનાર મુખ્ય બે શખ્સોની ઓળખ થઈ ગઈ છે. મોન્ટુ કોષ્ટી તેમજ રાહુલ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને શખ્સો રીઢા ગુનેગાર છે અને તેમની વિરુદ્ધ અગાઉ પણ અનેક પોલીસ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવા છતાં આ શખ્સો બેખૌફ બનીને ફરી રહ્યા છે.
પોલીસ કાર્યવાહી
ઘટના બાદ ભયભીત બનેલા ફાસ્ટ ફૂડ સંચાલકે તાત્કાલિક ખોખરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. મોડીરાત્રે આ મામલે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક રહીશોની માંગ છે કે આવા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

