VIDEO: સાબરમતીના પટમાં ભૂમાફિયાઓ પર ત્રાટકી ખાણ ખનીજ વિભાગની ટીમ: વૌઠા ગામેથી હિટાચી અને નાવડી જપ્ત
VIDEO: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સાબરમતી નદીના પટમાં છેલ્લા લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે સક્રિય બનેલા અમદાવાદ ખાણ ખનીજ વિભાગે વૌઠા ગામ પાસે સાબરમતી નદીમાં દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ખાણ ખનીજ વિભાગની ટીમે જ્યારે વૌઠા ગામના નદી પટમાં તપાસ હાથ ધરી, ત્યારે ત્યાં ગેરકાયદેસર ખનનનું નેટવર્ક કાર્યરત જોવા મળ્યું હતું. અધિકારીઓએ સ્થળ પરથી રેતી ચોરી માટે વપરાતા મહત્વના સાધનો ઝડપી પાડ્યા છે. આ દરોડા પડતા જ સાઈટ પર કામ કરતા શ્રમિકો અને ભૂમાફિયાઓ સાધન-સામગ્રી મૂકીને નાસી છૂટ્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહીને પગલે રેતી ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
કયા વિસ્તારોમાં થઈ રહ્યું છે મોટાપાયે ખનન?
અમદાવાદ ગ્રામ્યના સાબરમતી નદીના કિનારે આવેલા અનેક ગામોમાં રેતી માફિયાઓ સક્રિય છે. મુખ્યત્વે નીચેના વિસ્તારોમાં ખનનનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે:
નવાપુરા અને સરોડા
ચંડીસર અને કાસીન્દ્રા
વૌઠા અને પાલ્લા આ વિસ્તારોમાં નદીના તળિયા સુધી ખોદકામ કરીને કુદરતી સંપત્તિને મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
પોલીસ અને પંચાયત દ્વારા આગળની કાર્યવાહી
જપ્ત કરવામાં આવેલું હિટાચી મશીન ધોળકા રૂલર પોલીસ મથકે સોંપવામાં આવ્યું છે, જ્યારે રેતી ખનન માટે વપરાતી નાવડીને સુરક્ષા અને આગળની કાર્યવાહી માટે સ્થાનિક ગ્રામ પંચાયતની કસ્ટડીમાં સોંપવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા આ મામલે પંચનામું કરી, જવાબદારો વિરુદ્ધ લાખો રૂપિયાના દંડની વસૂલાત અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં પણ સાબરમતી નદીના વિવિધ પટમાં આ પ્રકારે સરપ્રાઈઝ ચેકિંગ અને દરોડા ચાલુ રાખવામાં આવશે.

