Rajkot news: ખોડલધામ '150 સરદાર યાત્રા'નું ભવ્ય સમાપન, ભાજપની નવી ટીમ જાહેર થતા નેતાઓએ પાઠવ્યા અભિનંદન

Rajkot news: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે રાજકોટથી નીકળેલી ‘સરદાર@150 સ્વદેશી પદયાત્રા’નું આજે યાત્રાધામ ખોડલધામ-કાગવડ ખાતે ભવ્ય સમાપન થયું છે. સતત 27 કલાકની પદયાત્રા બાદ કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યોએ ખોડલધામમાં ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે ભાજપના સંગઠનમાં થયેલા નવા ફેરફારોને પણ વધાવવામાં આવ્યા હતા.
રાજકોટથી શરૂ થયેલી ઐતિહાસિક પદયાત્રા 65 કિલોમીટરનું અંતર કાપીને પોતાના નિર્ધારિત સમયે કાગવડ પહોંચી હતી. આજે રવિવારે સવારે પદયાત્રીઓએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને ત્યાંથી 'સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો' તથા 'જય સરદાર'ના નાદ સાથે સંઘ ખોડલધામ મંદિર તરફ આગળ વધ્યો હતો.
ખોડલધામ પહોંચતા જ ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રાના મુખ્ય આયોજક અને રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ પરસોત્તમ રૂપાલાને કંકુ તિલક કરી અને ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા.
તમામ અગ્રણીઓએ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. ત્યારબાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યોના હસ્તે મંદિર પરિસરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં મંત્રી કૌશિક વેકરિયા અને રાઘવજી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો.
આ તકે મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય રમેશ ટીલાળાએ યાત્રાના ઉદ્દેશ્યની સાથે સાથે ગુજરાત ભાજપની નવી ટીમમાં સ્થાન પામેલા રમેશ ધડુક અને ડૉ. પ્રશાંત કોરાટને અભિનંદન પાઠવ્યા હતા.
આ પદયાત્રામાં ભારત માતાના વિવિધ વીર સપૂતોની વેશભૂષામાં સજ્જ નાના બાળકો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રમેશભાઈ ટીલાળાએ 27 કલાક સુધી અવિરત ચાલીને યાત્રા પૂર્ણ કરનાર તમામ પદયાત્રીઓના સાહસને બિરદાવ્યું હતું.
બીજી તરફ, સમગ્ર રૂટ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા વીરપુર પોલીસે પ્રસંશનીય કામગીરી કરી હતી. પીઆઈ અને પીએસઆઈ સહિત 100 જેટલા પોલીસ જવાનોએ ખડેપગે રહીને પદયાત્રાને સુચારુ રૂપથી સંપન્ન કરવામાં મદદ કરી હતી.આમ, રાષ્ટ્રભક્તિ અને શ્રદ્ધાના સંગમ સમાન આ પદયાત્રા ખોડલધામના આંગણે સંપન્ન થઈ છે, જેમાં રાજકીય અને સામાજિક એકતાના દર્શન થયા હતા.

