Morbi: MLA દુર્લભજી દેથરીયાનો લોકોએ લીધો ઉધડો, ફોન ના ઉપાડતા હોવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ

ગુજરાતના રાજકારણમાં વધુ એક ધારાસભ્ય સોશિયલ મીડિયામાં લોકોના રોષનો ભોગ બન્યા છે. મોરબીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાને લોકોના ફોન ન ઉપાડવાના મુદ્દે સોશિયલ મીડિયા પર આકરો ઉધડો લેવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટ્સ અને સ્ક્રીનશોટ્સ મુજબ, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા અનેક વખત ફોન કરવા છતાં લોકોના કોલનો જવાબ આપતા નથી. આનાથી નારાજ થયેલા મતદારોએ પોતાના મોબાઈલના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે, જેમાં સતત કરેલા કોલ્સ અને તેનો જવાબ ન મળ્યાનું સ્પષ્ટ દેખાય છે.
લોકોનો આક્રોશ છે કે, "મત માગવા ટાણે મોટી મોટી વાતો કરનાર" ધારાસભ્યો ચૂંટણી જીત્યા પછી લોકોના કામ કરવામાં નિષ્ફળ નીવડે છે અને સામાન્ય જનતા સાથે સંપર્ક પણ રાખતા નથી. ધારાસભ્ય દ્વારા વારંવાર ફોનનો જવાબ ન મળતાં, લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને તેમણે જાહેરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની વેદના વ્યક્ત કરી છે. આ સ્ક્રીનશોટ્સ વાયરલ થતાં, મોરબીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે

