VIDEO: કડીના કરણનગર રોડ પર ચેઈન સ્નેચિંગનો બનાવ: સોમેશ્વર પાર્કમાં રહેતી મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી 2 શખ્સો પલાયન
VIDEO: મહેસાણા જિલ્લામાં આવેલા કડી શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો સક્રિય થયાનું સામે આવ્યું છે. કડીમાં આજે સોમવારે સરાજાહેર રસ્તા પર પસાર થઈ રહેલી મહિલાના ગળામાંથી બાઈક પર આવેલા બે શખ્સો સોનાના દોરાની તફડંચી કરી ઘટનાસ્થળેથી આંખના પલકારામાં ગાયબ થઈ ગયા હતા. દોઢ તોલાના સોનાના દોરાના સ્નેચિંગની ઘટના અંગે મહિલા ઘડીભર હતપ્રભ થઈ ગઈ હતી. આ સમગ્ર બનાવ સોસાયટીમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.
મળતી માહિતી અનુસાર, કડી-કરણનગર રોડ પર આવેલી સોમેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા ગીતાબેન વિષ્ણુભાઈ મંદિરે દર્શન કરીને પરત ફરતા હતા એ દરમ્યાન સોસાયટીના ગેટ નજીકથી જ બાઈક પર આેલા બે શખ્સો મહિલાનાં ગળામાંથી આશરે દોઢ તોલાના સોનાના દોરો ખેંચી પલાયન થઈ ગયા હતા.
પળવારમાં બાઈક પર આવેલા શખ્સો સોનાની માળા ઝૂંટવીને ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયા હતા. જે બાદ મહિલાએ બુમાબુમ કરી મૂકી હતી. જેથી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. મહિલા સમગ્ર ઘટના બાદ અસ્વસ્થ થઈ જતા લોકોએ મહિલાને બેસાડીને પાણી પીવડાવ્યું હતું. જે બાદ મહિલાને થોડી કળ વળતા સોનાના દોરાની તફડંચીના બનાવ અંગે પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં સમગ્ર બનાવની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કડી અને તેની આસપાસના વિસ્તારોમાં આવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સોમેશ્વર પાર્કના એક દંપતિ રાત્રે ચાલવા નીકળ્યા એ દરમિયાન મહિલાના ગળામાંથી બાઈક પર આવેલા શંકાસ્પદ શખ્શોએ દોરો તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલા ચેતી જતા બચી ગઈ હતી. એટલું જ નહીં દોરો તોડવામા નિષ્ફળ ગયેલા શંકાસ્પદ શખ્શો બાઈક લઈને છેક સોસાયટીમાં દંપતિના ઘર સુધી રેકી કરી ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ મહિલાના પતિએ કડી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં કરી હતી, જેની તપાસ શુદ્ધા ન થયાનો સોસાયટીના રહીશો આક્ષેપ કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઘણા લોકોને આવા કડવા અનુભવો થઈ ચૂક્યા છે, કેટલીકવાર તો ચાલતા જતા લોકોના હાથમાંથી બાઈક લઈને આવતા શખ્શો મોબાઈલો પણ તફડાવી લે છે. ધોળે દિવસે સતત ઘટી રહેલી આવી ઘટનાઓએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. આવારા તત્વોને જાણે કડી પોલીસનો ખૌફ જ રહ્યો ના હોય તે રીતે ધોળેદિવસે આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં કડી પોલીસ કડક કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.

