Mehsana news : ચકચારી લૂંટેરી દુલ્હન કેસમાં લગ્ન માટે ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં મદદ કરનાર વકીલની ધરપકડ

Mehsana news : ગુજરાતમાં લગ્નના પવિત્ર બંધનને વ્યાપાર બનાવી દેનાર અને અનેક યુવકોના જીવન બરબાદ કરનાર મહેસાણાની કુખ્યાત 'લૂંટેરી દુલ્હન' ગેંગના કેસમાં પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. બહુચરાજી પોલીસે આ કૌભાંડમાં કાયદાકીય મદદ પૂરી પાડનાર અને બોગસ દસ્તાવેજો તૈયાર કરી આપનાર નોટરી વકીલની ધરપકડ કરી છે.
મહેસાણા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ કેસમાં પોલીસે અગાઉ મુખ્ય સૂત્રધાર 'લૂંટેરી દુલ્હન' ચાંદની ઠાકોર, તેની સાગરીત રશ્મિકા પંચાલ અને દલાલ રાજેશ ઠક્કર સહિત 4 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ ટોળકીને કાયદાકીય ગૂંચવણોથી બચાવવા અને યુવકોને વિશ્વાસમાં લેવા માટે બનાવટી દસ્તાવેજોની જરૂર પડતી હતી. આ કામમાં મદદ કરનાર નોટરી વકીલ ભીમજી ચૌહાણનું નામ ખુલતા બહુચરાજી પોલીસે તેની ધરપકડ કરી છે.
કેવી રીતે ચાલતું હતું કૌભાંડ?
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટોળકીનો મોડસ ઓપરેન્ડી (Modus Operandi) એકદમ ચોંકાવનારો હતો. દલાલ રાજેશ ઠક્કર અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી લગ્ન માટે ઉત્સુક અને જરૂરિયાતમંદ યુવકોને શોધતો હતો.યુવકોને ફસાવવા માટે નોટરી વકીલ ભીમજી ચૌહાણની મદદથી બોગસ આધાર-પુરાવા અને મેરેજ કરાર તૈયાર કરવામાં આવતા, જેથી યુવકોને શંકા ન જાય.લગ્ન કર્યાના થોડા જ દિવસોમાં 'દુલ્હન' ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને રફૂચક્કર થઈ જતી હતી.
52 લાખની ઠગાઈ અને 1200 દલાલોનું નેટવર્ક પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીએ અત્યાર સુધીમાં અંદાજે 18 જેટલા લગ્નો કરાવીને યુવકો અને તેમના પરિવારો પાસેથી કુલ 52 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી છે. આરોપીઓની પૂછપરછમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે અમદાવાદ શહેરમાં આવા લગ્ન કરાવતા આશરે 1200 જેટલા દલાલો સક્રિય છે. હાલ મહેસાણા પોલીસ આ નેટવર્કને તોડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.

