VIDEO: Mehsana / સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવારના કાફલા પર હુમલો, કાર્યકરનું માથું ફૂટ્યું
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર હવે હિંસક વળાંક લઈ રહ્યો છે. મહેસાણા તાલુકા પંચાયતની મગુના બેઠક પર ભાજપના ઉમેદવાર નરેશ પટેલના પ્રચાર કાફલા પર મોડી રાત્રે અંધારામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભાજપના એક કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયા છે અને બે ગાડીઓને નુકસાન પહોંચ્યું છે.
ઘટનાની વિગત મુજબ, મગુના બેઠકના ભાજપ ઉમેદવાર નરેશ પટેલ મગુના-રામનગર પંથકમાં પોતાનો ચૂંટણી પ્રચાર પૂર્ણ કરી કાફલા સાથે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા ઈસમોએ અંધારાનો લાભ લઈ કાફલા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમારાને કારણે કાફલાની બે કારના કાચ ફૂટી ગયા હતા. આ હુમલામાં કારમાં સવાર ભાજપ કાર્યકર પંકજ પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું માથું ફૂટી ગયું હતું. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
આ હુમલા બાદ મહેસાણા જિલ્લા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપ ઉમેદવાર નરેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખે આ હિંસક હુમલા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો સીધો આક્ષેપ કર્યો છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે હારના ડરથી વિપક્ષ હવે હિંસા પર ઉતરી આવ્યું છે. આ હુમલાએ અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે.
ઘટના અંગે સાંથલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

