VIDEO: Mehsana / ડરણ ગામમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડરણ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે યોજાયેલી જનસભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભ્રષ્ટાચારથી લઈને બેરોજગારી અને ગૌરક્ષાના મુદ્દે સરકારની નીતિઓની આકરી ઝાટકણી કાઢી હતી.
બળદેવજી ઠાકોરે પોતાના સંબોધનમાં સીધો આક્ષેપ કર્યો હતો કે, આજે ગુજરાતમાં કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ, પૈસા આપ્યા વગર કોઈ કામ થતું નથી." તેમણે મોંઘવારી, શિક્ષણનું ખાનગીકરણ અને સતત વધતી બેરોજગારી માટે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી હતી. યુવાનોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, સરકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવીને યુવાનોને કાયમી રોજગારથી વંચિત રાખી બેકારી તરફ ધકેલી રહી છે. નંદાસણમાં ભાજપના જ કેટલાક હોદ્દેદારો ગાયોને કતલખાને મોકલવાના કૃત્યમાં સામેલ છે. ગૌરક્ષાના નામે મત માંગતી ભાજપના નેતાઓનો અસલી ચહેરો જનતા સામે હોવાનો તેમણે દાવો કર્યો હતો. આ ઉપરાંત, ખેડૂતોની જમીન હડપવા માટે 'લેન્ડ ગ્રેબિંગ' કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો પણ તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો.
રાજકીય કટાક્ષ કરતા બળદેવજીએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જે નેતાએ ભાજપ માટે આટલું કામ કર્યું, તેમને જ અત્યારે પક્ષે હાંસિયામાં ધકેલી દીધા છે. આ સાથે તેમણે કોંગ્રેસના ઉમેદવારો રાજુભાઈ અને અલ્પાબેનને જંગી બહુમતીથી જીતાડવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી. બળદેવજી ઠાકોરના આ આક્રમક તેવરથી કડી પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને ભ્રષ્ટાચાર અને ગાયોના મુદ્દે કરાયેલા આક્ષેપો બાદ હવે ભાજપ તરફથી શું વળતો પ્રહાર કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

