VIDEO: મહેસાણાની નારી શક્તિનો ડંકો: ગવાડા ગામની બહેનોએ ખાખરા-પાપડના ગૃહ ઉદ્યોગથી વર્ષે 8 લાખનો નફો કર્યો
VIDEO: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું ગવાડા ગામ આજે નારી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બન્યું છે. 21મી સદીના આ યુગમાં જ્યાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં મોખરે છે, ત્યાં ગવાડા ગ્રામ સખી સંઘની 22 જેટલી બહેનોએ પોતાના ગૃહ ઉદ્યોગ થકી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરીને સાબિત કરી દીધું છે કે સંકલ્પશક્તિ અને યોગ્ય માર્ગદર્શન હોય તો સફળતા જરૂર મળે છે.
શૂન્યમાંથી સર્જન: 'શુભમ્ ગૃહ ઉદ્યોગ'ની સફર
નીતાબેન રબારીના નેતૃત્વમાં શરૂ થયેલી આ સફર શરૂઆતમાં પડકારોથી ભરેલી હતી. સખી મંડળની પ્રવૃત્તિઓથી અજાણ આ બહેનોને રાજ્ય સરકારની 'મિશન મંગલમ' યોજનાએ નવી દિશા આપી. RSETI દ્વારા પ્રોફેશનલ તાલીમ લીધા બાદ વર્ષ 2022માં 'શુભમ ગૃહ ઉદ્યોગ'નો પ્રારંભ થયો. સરકાર દ્વારા મળેલા રિવોલ્વિંગ ફંડ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ (CIF)ના આર્થિક ટેકાથી સાધન સામગ્રી ખરીદવામાં આવી અને ખાખરા, પાપડ તથા અથાણાં બનાવવાનું શરૂ થયું.
ડિજિટલ માર્કેટિંગ અને આર્થિક સમૃદ્ધિ
એક સમય એવો હતો જ્યારે આ બહેનોને માર્કેટિંગ માટે રિક્ષા લઈને આજુબાજુના ગામડાઓમાં ભટકવું પડતું હતું. પરંતુ રાજ્ય સરકારના 'સરસ મેળા' તેમના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયા. આજે આ બહેનોની પ્રોડક્ટ્સ એટલી જાણીતી બની છે કે તેમને હવે ઓર્ડર માટે ક્યાંય જવું પડતું નથી, ગ્રાહકો સામેથી ફોન પર ઓર્ડર આપે છે. વાર્ષિક 15થી 17 લાખના ટર્નઓવર સાથે આ મંડળ આજે 7થી 8 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કરી રહ્યું છે.
સરકારનું મજબૂત પીઠબળ
વિજાપુર તાલુકામાં હાલ 1688 જેટલા સખી મંડળો કાર્યરત છે, જેમને સરકાર દ્વારા કરોડો રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. આ સહાયને કારણે ગ્રામીણ મહિલાઓ માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ સામાજિક રીતે પણ સદ્ધર બની રહી છે.

