Video/ Mahisagar: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ આંગણવાડીની બહેનોનો હલ્લાબોલ; પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો
આજે જ્યારે સમગ્ર વિશ્વ 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લામાં સ્થિતિ કંઈક અલગ જોવા મળી હતી. જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનોએ ઉજવણીને બદલે પોતાની પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો. વીરપુર ખાતે એકત્ર થયેલી 300થી વધુ મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
વીરપુર ખાતે એકઠી થયેલી આંગણવાડીની બહેનોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા તેમને આપવામાં આવતા વેતન કરતા કામગીરીનું ભારણ અનેકગણું વધારે છે. તેમણે માંગણી કરી છે કે, તેમને હાઈકોર્ટના હુકમ મુજબ યોગ્ય વેતન આપવામાં આવે, આંગણવાડીના કામકાજના સમયમાં સાનુકૂળ ફેરફાર કરવામાં આવે. તેમજ વધારાની કામગીરીના કારણે મૂળ કામ પર અસર પડી રહી હોવાની રજૂઆત તેમણે કરી છે.
વિરોધ પ્રદર્શન કરી રહેલી બહેનોએ જણાવ્યું હતું કે, તેમને બાળ પોષણ, આરોગ્ય સેવાઓ અને રસીકરણ જેવી અનેક સરકારી યોજનાઓની કામગીરી સોંપવામાં આવે છે. આ વધારાના ભારણને કારણે તેઓ આંગણવાડીના બાળકોને પૂરતું શિક્ષણ આપી શકતી નથી. ઓછા વેતનમાં વધુ પડતી કામગીરીને લીધે બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આંદોલનકારી બહેનોએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીમાં તેઓ સંગઠિત થઈને 'ચૂંટણી બહિષ્કાર' કરશે.

