VIDEO: "વડોદરાથી ડાકોર: 155 વર્ષ જૂની પરંપરાના અદભુત દ્રશ્યો"
VIDEO: યાત્રાધામ ડાકોર ખાતે આજે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. 'જય રણછોડ, માખણ ચોર'ના નાદ સાથે વડોદરાથી આવેલા ઐતિહાસિક 'મારૂતિ નંદન સંઘ'નું ડાકોરમાં આગમન થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. છેલ્લા 155 વર્ષથી ચાલી આવતી આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહ અને ઉમંગ સાથે જળવાઈ રહી છે.
155 વર્ષની અવિરત પરંપરા અને 52 ગજની ધજા વડોદરાથી પગપાળા નીકળેલા આ સંઘનું ઐતિહાસિક મહત્વ ઘણું ઊંડું છે. મારૂતિ નંદન સંઘ છેલ્લા 155 વર્ષથી નિયમિતપણે વડોદરાથી પગપાળા ચાલીને ડાકોરના રાજા રણછોડરાયજીના દર્શનાર્થે આવે છે. આ વખતે પણ સંઘમાં ભવ્ય ૫૨ ગજની ધજા અને અન્ય નાની 200 જેટલી ધજાઓ સાથે ભક્તોએ ડાકોરમાં પ્રવેશ કર્યો ત્યારે દ્રશ્યો જોવાલાયક હતા. શ્રદ્ધાની આ ધજાઓ લહેરાતી જોઈને ડાકોરના માર્ગો શોભી ઉઠ્યા હતા.
3500થી વધુ ભક્તો અને પૌરાણિક વેશભૂષા આ પદયાત્રા સંઘમાં વડોદરાથી અંદાજે 35૦૦થી 4,૦૦૦ જેટલા ભાવિક ભક્તો જોડાયા હતા. જોકે, આ સંઘની સૌથી મોટી વિશેષતા તેમાં જોવા મળતી જીવંત સાંસ્કૃતિક ઝાંખી હતી. સંઘમાં સામેલ યુવકો અને મહિલાઓએ રામાયણ અને મહાભારતના વિવિધ પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી. ભગવાન શ્રી રામ, સીતાજી, હનુમાનજી અને મહાભારતના યોદ્ધાઓ જેવા પાત્રોને જીવંત થતા જોઈને ડાકોરવાસીઓ અને અન્ય દર્શનાર્થીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. રસ્તા પર આ વેશભૂષા ધારી ભક્તોને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.
રાષ્ટ્રને ભક્તિ અને સંસ્કૃતિનો સંદેશ મારૂતિ નંદન સંઘનો ઉદ્દેશ્ય માત્ર દર્શન પૂરતો સીમિત નથી. આ પદયાત્રા દ્વારા તેઓ સમગ્ર રાષ્ટ્રને ભક્તિ, ધાર્મિકતા અને આપણી સનાતન સંસ્કૃતિને જાળવી રાખવાનો સંદેશ આપે છે. આધુનિક યુગમાં પણ પોતાની પરંપરાને વળગી રહેલા આ ભક્તોએ યુવા પેઢીને પ્રેરણા પૂરી પાડી છે. આમ, વડોદરાથી આવેલા હજારો પદયાત્રીઓએ ડાકોરની ધરાને ભક્તિના રંગે રંગી દીધી હતી અને સમગ્ર નગરમાં આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

