ઉમરેઠમાં રોગચાળો બેકાબૂ: કાજીવાડા, ખાટકીવાડ કોલેરાગ્રસ્ત જાહેર, બે દિવસમાં 220થી વધુ ઝાડા ઉલટીના કેસ
ઉમરેઠમાં સોમવારે પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે અને એક જ દિવસમાં ઝાડા-ઉલટીના ૮૩ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડ

ઉમરેઠમાં છેલ્લા બે દિવસમાં ઝાડા-ઉલટીના કુલ ૨૨૨ કેસો નોંધાયા
ઉમરેઠમાં છેલ્લા બે દિવસમાં ઝાડા-ઉલટીના કુલ ૨૨૨ કેસો નોંધાયા છે. જેમાં કાજીવાડ અને ખાટકીવાડમાં કોલેરાના બે કેસો નોંધાયા છે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તંત્ર દ્વારા કુલ ૫૦૨ આરસી ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૩૪૦ પોઝીટીવ અને ૧૬૨ ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. આરોગ્ય વિભાગની ૨૪ ટીમોએ સર્વે હાથ ધર્યો છે. જેમાં ક્લોરીનની ૪,૫૮૨ ગોળીઓ તથા ઓઆરએસના ૪૪૮ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
આણંદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉમરેઠ શહેર તથા નજીકના આવતા ગામો થામણા, લીંગડા, હમીદપુરા, ભરોડા, રતનપુરા, ગંગાપુરા, બેચરી, ભાટપુરા, નવાપુરા, સુરેલી, ધુળેટા તથા પરવટામાં જાહેરનામા સંદર્ભે તકેદારીના પગલાં લેવા સુચના આપી છે.
જેમાં ગામમાં ખુલ્લા ખાદ્ય પદાર્થોની નિયમિત ચકાસણી, ગંદકી અને કચરાનો નિકાલ, વરસાદી પાણીનો નિકાલ કરી દવાનો છંટકાવ કરવો, પાણીના સ્ત્રોતની મુખ્ય ટાંકીનું ક્લોરીનેશન કરાવવું અને સઘન ક્લોરીનેશન કરેલા પાણીનો પુરવઠો પુરો પાડવો, ગટરલાઈન અને પાણીની લાઈનનું લિકેજ તાત્કાલિક રીપેર કરાવવું, આરોગ્ય કેન્દ્રો દ્વારા ક્લોરીનની ગોળીઓ, ઓઆરએસના પેકેટ વગેરેનું વિતરણ, શૌચાલયનો ઉપયોગ કરવો સહિતની સુચનાઓ આપી તેની અમલવારી કરાવવા તાકીદ કરી છે.






