VIDEO: ગોપાલ ઈટાલિયા સામે બિનજામીનપાત્ર વોરંટ: ‘ચૂંટણીમાં હાર ભાળી ગયેલી ભાજપનું આ કાવતરું’ - AAP નેતાનો પ્રહાર
VIDEO: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સામે મહેસાણા કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કરતા રાજકારણ તેજ બન્યું છે. પોલીસને ગેરમાર્ગે દોરવાના વર્ષો જૂના આક્ષેપ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
વર્ષ 2020માં બનેલી એક ઘટના સંદર્ભે મહેસાણા કોર્ટ દ્વારા ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આરોપ છે કે તેમણે પોલીસ તપાસમાં સહકાર આપવાને બદલે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આશ્ચર્યની વાત એ છે કે છ વર્ષ જૂના કેસમાં ૨૦૨૬માં જ્યારે ચૂંટણીઓ નજીક છે ત્યારે જ આ વોરંટ બહાર પાડવામાં આવ્યું છે.
ગોપાલ ઈટાલિયાનો ભાજપ પર આકરો પ્રહાર
આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, "આ સમગ્ર ઘટના એક પૂર્વયોજિત કાવતરું છે. શાસક ભાજપ પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની હાર નિશ્ચિત જોઈ રહ્યો છે, જેના કારણે વિપક્ષના મજબૂત અવાજને દબાવવા માટે આ પ્રકારે કાયદાકીય શસ્ત્રોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "મને પોલીસ દ્વારા અગાઉથી સંકેતો મળ્યા હતા કે મારા અને મારા પરિવાર સામે કોઈ મોટું ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે."
કાયદાકીય લડતની તૈયારી
વોરંટ મામલે જરા પણ ડર્યા વગર ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, "હું અત્યારે વિસાવદર સ્થિત મારી ઓફિસે જાહેર રીતે બેઠો છું, જો પોલીસને ધરપકડ કરવી હોય તો આવી શકે છે. અમે આ અન્યાયી વોરંટ સામે મજબૂતીથી કાયદાકીય લડત લડીશું અને જનતાની અદાલતમાં ભાજપના આ કાવાદાવા ખુલ્લા પાડીશું."
આ ઘટનાને પગલે સમગ્ર સુરેન્દ્રનગર અને જૂનાગઢ પંથકમાં કાર્યકર્તાઓ વચ્ચે ભારે ચર્ચા જાગી છે. ચૂંટણી પહેલા જ ધારાસભ્ય સામે થયેલી આ કાર્યવાહીથી આગામી દિવસોમાં રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ વધવાની પુરેપુરી શક્યતા છે.

