અમેરિકા-ઈરાન યુદ્ધવિરામની અસર: શેરબજારમાં બમ્પર તેજી, નિફ્ટી 24,000ની સપાટીએ, રોકાણકારોની સંપત્તિમાં મસમોટો વધારો

US-Iran ceasefire: શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે બુધવારનો દિવસ અત્યંત શાનદાર સાબિત થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ અંતે 2946 પોઈન્ટના જંગી ઉછાળા સાથે 77,562 પર બંધ થયો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ 873 પોઈન્ટ ઉછળીને 24,000ની સપાટીની ખૂબ જ નજીક 23,997.35 પર બંધ રહ્યો હતો. બજારમાં દિવસભર રહેલી આ તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં અંદાજે 16 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામથી બજારમાં ઉછાળો
બજારમાં જોવા મળેલી આ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક કારણો જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામના સમાચાર આવતા જ માત્ર ભારતીય જ નહીં, પરંતુ એશિયન બજારોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. યુદ્ધ શાંત થવાની આશાએ ક્રૂડ ઓઈલની કિંમતોમાં પણ ઘટાડો થયો અને તે પ્રતિ બેરલ 95 ડૉલરની આસપાસ આવી ગયું છે. આ ઉપરાંત, ડૉલર સામે રૂપિયાની મજબૂતીએ પણ શેરબજારને ટેકો આપ્યો હતો. આ તેજીના કારણે BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 4,45,57,571.45 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
ચારેતરફ લેવાલીનો માહોલ
બજારના 'હીરો' સાબિત થયેલા શેરની વાત કરીએ તો, અદાણી ગ્રીન 11% અને અશોક લેલેન્ડ 12.65%ના ઉછાળા સાથે મોખરે રહ્યા હતા. આ ઉપરાંત ઇન્ડિગો, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, રિલાયન્સ અને બજાજ ફાઈનાન્સ જેવી દિગ્ગજ કંપનીઓના શેરમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. મારુતિ, એચડીએફસી બેન્ક અને અદાણી પોર્ટ્સ જેવા શેર પણ રોકેટની ગતિએ ભાગ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓમાં પણ ખરીદીનો માહોલ રહેતા રોકાણકારોએ ધૂમ કમાણી કરી હતી.
વૈશ્વિક બજારો
બુધવારે સવારે એશિયન બજારોમાં જોરદાર તેજી જોવા મળી. દક્ષિણ કોરિયાના કોસ્પીએ આગેવાની લીધી. જાપાનના નિક્કી 225 અને દક્ષિણ કોરિયાના કોસ્પી ઈન્ડેક્સ અનુક્રમે 4.97 ટકા અને 5.69 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.
અમેરિકા અને ઈરાન યુદ્ધવિરામ પર સંમત થયા પછી રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતામાં સુધારો થતાં બુધવારે સવારે યુએસ સ્ટોક ફ્યુચર્સમાં જોરદાર તેજી જોવા મળી.
S&P 500 ફ્યુચર્સ 2.32 ટકા અથવા 155 પોઈન્ટ વધીને 6,812 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ફ્યુચર્સ 2.12 ટકા અથવા 993 પોઈન્ટ વધીને 47,805 પર ટ્રેડ થઈ રહ્યા હતા. દરમિયાન, વોલ સ્ટ્રીટ પર રાતોરાત, S&P 500 અને નાસ્ડેક કમ્પોઝિટ અનુક્રમે 0.08 ટકા અને 0.10 ટકા વધીને બંધ થયા હતા. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 0.18 ટકા વધીને બંધ થયા હતા.
બ્રેન્ટ ક્રૂડ $100ની નીચે આવી ગયું.
ઈન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર એપ્રિલમાં બ્રેન્ટ ક્રૂડનો કોન્ટ્રેક્ટ 13.6 ટકા ઘટીને $ 94.42 પ્રતિ બેરલ થયો. હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાથી પુરવઠાના પડકારો હળવો થવાની અપેક્ષા છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ઈરાની પાવર પ્લાન્ટ અને નાગરિક માળખા પર આયોજિત હુમલાઓને બે અઠવાડિયા માટે રોકવા સંમત થયું છે. આ પગલું એ શરત પર આધારિત છે કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ફરીથી ખોલવા માટે સંમત થાય.

