VIDEO: Junagadhમાં મેઘતાંડવ; કેશોદ-માંગરોળ નેશનલ હાઈવે બંધ, મેંદરડા-માણાવદરમાં પૂરમાં ફસાયેલા 29 લોકોનું રેસ્ક્યૂ
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના લીધે કેશોદ-માંગરોળ વચ્ચેનો નેશનલ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે, જ્યારે મેંદરડા અને માણાવદરમાં પૂરના ધસમસતા પાણીમાં ફસાયેલા અનેક લોકોને બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા.
કેશોદ-માંગરોળ હાઈવે (NH-51) બંધ, વૈકલ્પિક રૂટ જાહેર
કેશોદ અને માંગરોળ વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદના કારણે નેશનલ હાઈવે-51 (NH-51) પર હુસૈનાબાદ નજીક પૂરના પાણી ફરી વળ્યા છે. પૂરના તીવ્ર પ્રવાહને લીધે હાઈવેના રોડને ભારે નુકસાન પહોંચ્યું હતું. જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને આ માર્ગ પરનો વાહન વ્યવહાર હાલ પૂરતો સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) રાજકોટની ટીમ દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ
સોમનાથથી દ્વારકા તરફ જતા વાહનચાલકોને નેશનલ હાઈવે-151 અને નેશનલ હાઈવે-27 (સોમનાથ - જેતપુર - પોરબંદર - દ્વારકા રૂટ) નો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. સોમનાથથી દ્વારકા જતા વાહનચાલકોને સોમનાથ-જેતપુર - પોરબંદર - દ્વારકા રૂટનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.
મેંદરડાના સમઢીયાળા ગામે 19 લોકોનું સફળ રેસ્ક્યુ
મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે પૂરના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે એક રીક્ષા, એક કાર અને એક ઈકો કાર ફસાઈ ગઈ હતી. આ વાહનોમાં બાળકો અને વૃદ્ધો સહિત કુલ 19 લોકો સવાર હતા, જેમના જીવ જોખમમાં મુકાયા હતા. ઈમરજન્સી નંબર 112 પરથી માહિતી મળતાં જ જૂનાગઢ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ડિવિઝનલ ફાયર ઓફિસર જીગરદાન ગઢવીની આગેવાનીમાં ફાયર સર્વિસની ટીમે ભારે પાણીના પ્રવાહ વચ્ચે સુઝબુઝપૂર્વક કામગીરી કરી તમામ 19 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
માણાવદરના બૂરી ગામે ONGCના 10 કર્મચારીઓ બચાવાયા
બીજી તરફ, માણાવદર તાલુકાના બૂરી ગામે પણ પૂરના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. અહીં ઓએનજીસી (ONGC) કંપનીના 10 કર્મચારીઓ પૂરના પાણીની વચ્ચે ફસાઈ ગયા હતા. માણાવદર મામલતદાર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલરૂમને આ અંગેની જાણ થતાં જ હોમગાર્ડની ટીમને તાત્કાલિક બચાવ કાર્ય માટે રવાના કરવામાં આવી હતી. હોમગાર્ડની ટીમે પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે ભારે જહેમત ઉઠાવી, કુશળ આયોજન સાથે તમામ ૧૦ કર્મચારીઓને કોઈપણ પ્રકારની ઈજા વિના હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

