ગિરનાર લીલી પરિક્રમા પહેલા જ ભવનાથમાં ભક્તોનો જમાવડો, અન્નક્ષેત્રોમાં ભોજન-પ્રસાદની સેવા શરૂ

ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવાને હવે ત્રણ દિવસ બાકી છે, ત્યારે જૂનાગઢની ભવનાથ તળેટીમાં અત્યારથી જ પરિક્રમાનો અદભૂત માહોલ જામી ગયો છે. પરિક્રમાના સત્તાવાર પ્રારંભ પૂર્વે જ રાજ્યભરમાંથી ભાવિકો અને યાત્રિકોનું આગમન તળેટી ખાતે શરૂ થઈ ગયું છે. 'જય ગિરનારી'ના નાદ સાથે તળેટી વિસ્તાર ધમધમી ઉઠ્યો છે.
શ્રદ્ધાળુઓએ તળેટીમાં કુદરતનાં ખોળામાં બનાવ્યો પ્રસાદ
પરિક્રમામાં વહેલા પહોંચી ગયેલા અનેક શ્રદ્ધાળુઓ તળેટીમાં ખુલ્લા આકાશ નીચે કે વૃક્ષોની છાયામાં પોતાના જૂથ સાથે પડાવ નાખી, જાતે જ ચૂલા પર ભોજન પ્રસાદ બનાવી પરિક્રમા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
બીજી તરફ, પરિક્રમાર્થીઓની સેવા માટે તળેટીમાં અન્નક્ષેત્રો અને સેવાભાવી સંસ્થાઓ પણ સક્રિય થઈ ગઈ છે. અન્નક્ષેત્રોના સંચાલકો અને સ્વયંસેવકો દ્વારા અત્યારથી જ બહારથી આવતા યાત્રિકો માટે ગરમાગરમ ભોજન પ્રસાદની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. સ્વયંસેવકો દ્વારા મોટી માત્રામાં શાકભાજી, લીલા મરચાં અને લસણ સમારવાની કામગીરી તેમજ ગરમાગરમ ગાંઠિયા અને ફરસાણ તૈયાર કરવાનો ધમધમાટ રાત્રિના સમયે પણ ચાલી રહ્યો છે.
પાણીના ટેન્કરો અને લાઈટીંગ સહિતની સુવિધાઓ તૈનાત
લાખો યાત્રિકોની જઠરાગ્નિ તૃપ્ત કરવા માટે તેલના ડબ્બા, અનાજ-કઠોળની ગુણીઓ, મોટા તપેલા-કડાઈ અને બળતણ માટે લાકડાનો વિશાળ જથ્થો એકત્રિત કરી લેવામાં આવ્યો છે. યાત્રિકોને પીવાના પાણીની અગવડ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીના ટેન્કરો અને લાઈટીંગ સહિતની સુવિધાઓ તૈનાત કરી દેવામાં આવી છે.
સત્તાવાર પરિક્રમાને હજુ ત્રણ દિવસની વાર હોવા છતાં ભવનાથમાં સર્જાયેલા આ ભક્તિમય વાતાવરણને જોતા આ વર્ષે રેકોર્ડબ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તેવો અંદાજ છે. યાત્રિકોની સુરક્ષા, આરોગ્ય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર અને વિવિધ સેવા મંડળો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.









