જામનગર-કાલાવડ રોડ પર બે મોપેડ અથડાતાં માતાનું મોત, 6 વર્ષીય પુત્રને ગંભીર ઈજા

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. મોટા થાવરિયા નજીક આલિયા રોડ પર બે એક્ટિવા સામસામે અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હરિપર ગામના રહેવાસી તૃપ્તિબેન વસોયાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના છ વર્ષીય પુત્ર આર્યને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
માતાનું કરૂણ મોત
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે તા.15 નવેમ્બરના સાંજે મોટા થાવરિયા-આલિયા રોડ પર બે એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં હરિપર ગામના તૃપ્તિબેન વસોયાને જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના છ વર્ષીય પુત્ર આર્ય ચિરાગભાઈ વસોયાને માથાના ભાગે ઈજા થવાની સાથે ખુલ્લો ઘા પડતાં લોહી નીકળતું હતું.
પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી
અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત બાળકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં માતાનું મોત અને માસૂમ પુત્ર ઘાયલ થતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.







