Jamnagar news: બરતરફ આચાર્ય ગૅસ સિલિન્ડર ચોરીમાં ઝડપાયો, ચોરીની મસમોટી લાંબી યાદી જુઓ

Jamnagar news: દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાની 26 આંગણવાડીઓમાંથી ગેસ સિલિન્ડર ચોરવાના ગુનામાં એક સસ્પેન્ડેડ પ્રાથમિક શાળાના આચાર્ય/શિક્ષકને જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ ધરપકડથી ત્રણેય જિલ્લાઓમાં થયેલી કુલ 26 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાઈ ગયો છે.
LCBની સક્રિયતા અને બાતમી આધારિત કાર્યવાહી
જામનગર LCBના પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમના સ્ટાફ દ્વારા જામનગર અને અન્ય જિલ્લાઓમાં આંગણવાડીઓમાંથી ગેસ સિલિન્ડર ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધવા માટે સઘન પેટ્રોલિંગ અને વર્કઆઉટ ચાલી રહ્યું હતું. દરમિયાન, LCBને બાતમી મળી હતી કે, આંગણવાડીઓમાં ગેસ સિલિન્ડર ચોરનાર પ્રાથમિક શાળાનો સસ્પેન્ડેડ આચાર્ય/શિક્ષક કાંતિલાલ ડાયાભાઈ નકુમ (રહે. જામખંભાળિયા) આ ગુનામાં સંડોવાયેલો છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું હતું કે, તેણે ચોરી કરેલા ગેસ સિલિન્ડર જામનગર તાલુકાના દરેક ગામ નજીક આવેલા CNG પેટ્રોલપંપ પાસેની એક અવાવરુ ઓરડીમાં રાખ્યા છે અને તે સગેવગે કરવાની ફિરાકમાં છે.
આ બાતમીના આધારે, LCBએ કાંતિલાલ ડાયાભાઈ નકુમને પકડી પાડ્યો હતો અને તેની કબ્જા હેઠળની અવાવરુ ઓરડીમાંથી ચોરી કરેલા ગેસ સિલિન્ડર અને અન્ય મુદ્દામાલ કબજે કર્યા હતા.
ઓનલાઈન જુગારમાં મોટી રકમ હારી જતાં ચોરીના રવાડે ચઢયો
આરોપી કાંતિલાલ નકુમ જામખંભાળિયા તાલુકાના કોટા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો. તે ઓનલાઈન જુગારમાં મોટી રકમ હારી જતાં ચોરીના રવાડે ચઢયો હતો. શરૂઆતમાં તેણે શાળામાંથી લેપટોપ વગેરેની ચોરી કરી હતી, જેના કારણે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. સસ્પેન્ડ થયા બાદ, તેણે જુદી જુદી આંગણવાડીઓને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું.
26 જેટલી આંગણવાડીઓમાં ચોરીનો ભેદ ઉકેલાયો
પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, તેણે કુલ 26 જેટલી આંગણવાડીઓમાં ચોરી કરી છે. જેમાં જામનગર જિલ્લામાં 11, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10 અને પોરબંદર જિલ્લામાં પાંચ આંગણવાડીઓનો સમાવેશ થાય છે. આરોપી આચાર્ય આંગણવાડીઓની રેકી કરતો હતો અને પછી ડિસમિસ અને લોખંડના સળિયા જેવા સાધનોનો ઉપયોગ કરીને દરવાજાના તાળા અને નકુચા તોડીને ગેસ સિલિન્ડરની ચોરી કરતો હતો. ચોરી કર્યા બાદ તે ગેસ સિલિન્ડરોને જુદા જુદા સ્થળોએ છુપાવી દેતો હતો. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

