જામનગર-ખંભાળિયા હાઇવે પર અકસ્માત: પૂરઝડપે દોડતી કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી નજીક આવેલા લહેર તળાવ પાસે આજે સવારે એક કારચાલક બેકાબૂ બનતાં અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી કાર અચાનક કાબૂ ગુમાવી લહેર તળાવ નજીકની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માતમાં કાર રેલિંગ સાથે અથડાયા બાદ પલટી મારીને ઊંધી થઈ ગઈ હતી. અકસ્માતની તીવ્રતાને પગલે તળાવની રેલિંગને પણ નુકસાન થયું હતું.
આ બનાવમાં કારચાલકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
દરમિયાન, અકસ્માત બાદ ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલક કે વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં પલટી ખાઈને ઊંધી પડેલી કારનો વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો હાલ જામનગરના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને કારની ઝડપ અંગેની વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે.

