'મુખ્યમંત્રી ના બનાવો તો કોઇ વાંધો નહીં પણ પ્રદેશ ભાજપ પ્રમુખ તો બનાવો' - જાણો, કોણે કર્યો મોટો દાવો
બનાસકાંઠા: ગુજરાત ભાજપ પ્રદેશના નવા અધ્યક્ષની વરણીને

બનાસકાંઠા: ગુજરાત ભાજપ પ્રદેશના નવા અધ્યક્ષની વરણીને લઈને ગુજરાત ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ નવઘણજી ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. નવઘણજીએ પ્રદેશ ભાજપ પ્રમુખ માટેની વરણી ઠાકોર સમાજમાંથી થવી જોઈએ તેવી માંગ કરી છે.
ગુજરાત ભાજપ પ્રદેશના નવા પ્રમુખની વરણીને લઈને નવઘણજી ઠાકોરે કહ્યું કે, ‘ઠાકોર નહીં તો માલધારી, દલિત આદિવાસી અથવા કોળી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ હોવો જોઈએ. અમને મુખ્યમંત્રી ન બનાવો, નાયબ મુખ્યમંત્રી ના બનાવો.. કોઈ મોટા હોદ્દા ન આપો પણ પ્રદેશ ભાજપ પ્રમુખ તો બનાવી જ શકો.. ગુજરાતમાં જો કોઈ સમાજના લોકો સૌથી વધુ વસવાટ કરે છે તો તે ઠાકોર સમાજ છે.” તેમણે વધુમાં કહ્યું કે, ‘ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય ઠાકોર સમાજમાંથી પણ છે અને રાતદિવસ તમારા આદેશનું પાલન કરે છે.’
નવઘણજી ઠાકોરે ચીમકી પણ ઉચ્ચારતા કહ્યું, ‘આવનાર સમયમાં જો ભારતીય જનતા પાર્ટી અમારી આ માંગ નહીં સ્વીકારે તો ગુજરાતની આ ચાર કોમ આવનાર આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સી.આર પાટીલની પ્રેસ કોન્ફરન્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે. હવે પછીની ચૂંટણી નવા પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં લડાશે. એક વ્યક્તિ એક પદ પ્રમાણે સીઆર પાટીલના સ્થાને અન્ય પ્રદેશ અધ્યક્ષની ટૂંક સમયમાં જ જાહેરાત થશે. હવે પછીની ચૂંટણીઓ ભાજપ નવા પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં લડશે.






