સુરતમાં હેલ્મેટ વગર રાત્રે પણ નીકળ્યા તો થશે દંડ, પોલીસે નાઈટમાં યોજી સ્પેશિયલ ડ્રાઈવ
સુરતમાં હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ કાયદો તોડનારને દિવસે તો દંડ કરવામાં આવે જ છે. પરંતુ, ઘણા ચાલા

સુરતમાં હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ કાયદો તોડનારને દિવસે તો દંડ કરવામાં આવે જ છે. પરંતુ, ઘણા ચાલાક વાહનચાલકો રાત્રે હેલ્મેટ વગર નીકળતા હતાં. ત્યારે આ વાહનચાલકોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ઘણા વાહનચાલકો ઝડપાઈ ગયા હતાં.
સ્પેશિયલ ડ્રાઈવ યોજી
સુરતમાં ફરજીયાત હેલ્મેટ અંગે ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી. શહેરના અનેક પોઇન્ટ ઉપર રાત્રે પણ પોલીસ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. રાતે ટુ-વ્હીલર ચલાવતા હોય તો હેલ્મેટ તો પહેરવું જ પડશે તેવો મેસેજ આપતા સુરતના તમામ રિજિયનમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ઘણા વાહનચાલકોને દંડ કરાયો હતો.
ડિક્કીમાંથી હેલ્મેટ
પોલીસ અધિકારીએ કહ્યું કે, ઘણા વાહનચાલકો રાતના સમયે હેલ્મેટ ન પહેરતા અથવા તો પોતાની ડિક્કીમાં રાખી મૂકતા હતાં. જેથી પોલીસ કમિશનરની સૂચના મુજબ રાત્રિ દરમિયાન જે વાહનચાલકો પોતાના રક્ષણ માટે પહેરવાના થતાં હેલ્મેટ ન પહેરે તેમને હેલ્મેટ પહેરતા થાય તે માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી.જેમાં અલગ અલગ પોઈન્ટ પર ઉભા રહીને કાર્યવાહી કરવામાં આવી હતી. ઘણા વાહનચાલકો સ્ટ્રીટ લાઈટ ન હોય તેવા અંધારામાં હેલ્મેટ ઉતારી દેતા હોવાનું સામે આવ્યું હતું.





