હિંમતનગરમાં રાંધણ ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં એકનું સારવાર દરમિયાન મોત
Himmatnagar LPG gas cylinder blast incident One dies during treatment | Himmatnagar : સાબરકાંઠાના હિંમતનગરમાં 3 દિવસ પહેલા 6 ફેબ્રુઆરીએ એક રેસ્ટોરન્ટમાં રાંધ

Himmatnagar : સાબરકાંઠાના હિંમતનગરમાં 3 દિવસ પહેલા 6 ફેબ્રુઆરીએ એક રેસ્ટોરન્ટમાં રાંધણ ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના ઘટી હતી. આ ઘટનામાં રેસ્ટોરન્ટમાં કામ કરતા 6 લોકો દાઝ્યા હતા, જેમને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. મળતી માહિતી મુજબ 30 વર્ષીય હસન શેખ નામના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
સિલિન્ડરની પાઈપમાંથી ગેસ લીકેજ થયો હતો
હિંમતનગરના હુસેની ચોકમાં આવેલા બેગમ ફ્રાય સેન્ટરમાં ગુરુવારે સાંજે 5 વાગ્યાના સુમારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મદ્રેસા હાઈસ્કૂલ સામે આવેલા આ ફ્રાય સેન્ટરના રસોડા વિભાગમાં રાંધણ ગેસના સિલિન્ડરની પાઈપમાં લીકેજ થવાથી આખા રસોડામાં ગેસ ફેલાઈ ગયો હતો. દરમિયાન અજાણતાથી એક વ્યક્તિએ ગેસની સગડી સળગાવતાં આખું રસોડું આગની લપેટમાં આવી ગયું હતું અને ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો.
હિંમતનગર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે રસોડામાંથી કુલ 9 ગેસ સિલિન્ડર બહાર કાઢ્યા હતા.
19થી 30 વર્ષની વયના 6 કર્મચારીઓ દાઝી ગયા હતા
આ દુર્ઘટનામાં રસોડામાં કામ કરતા 19થી 30 વર્ષની વયના 6 કર્મચારીઓ દાઝી ગયા હતા. તેમાંથી બે વ્યક્તિ 65-65 ટકા જેટલા ગંભીર રીતે દાઝ્યા હતા, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ 8થી 32 ટકા સુધી દાઝ્યા હતા. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






