મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માધવપુરના મેળામાં ભાગ લેવા આવેલા કલાકારોનું નડિયાદ રેલવે સ્ટેશને ભવ્ય સ્વાગત 

પોરબંદર આયોજિત 'માધવપૂર ઘેડનો મેળો - ૨૦૨૫ ના આયોજનમાં ભાગ લેવા દેશભરમાંથી આવેલા યાત્રીઓનું નડિયાદ રેલવે

પોરબંદર આયોજિત 'માધવપૂર ઘેડનો મેળો - ૨૦૨૫ ના આયોજનમાં ભાગ લેવા દેશભરમાંથી આવેલા યાત્રીઓનું નડિયાદ રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરાયું હતું. ઉત્તર પૂર્વના રાજ્યોથી પધારેલા ૬૮૫ જેટલા કલાકારોનું રાત્રે 3 વાગે નડિયાદમાં ઢોલ નગારા અને ફૂલોથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નોર્થ ઈસ્ટની કુલ ૨૮ ટીમના ૬૮૫ કલાકારો પોરબંદરમાં આયોજિત 'માધવપુર ઘેડ મેળો - ૨૦૨૫'માં વિવિધ કલાનૃત્યો રજૂ કરનાર છે. અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મણીપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા માંથી આવેલા કુલ ૨૮ ટીમના ૬૮૫ કલાકારો આવી પહોંચ્યા હતા. આ કલાકારોને ૨૦ બસોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નળ સરોવર રિસોર્ટ ખાતે મોકલવામાં આવ્યા. 

સાંસ્કૃતિક કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપવા આતુર

સરકાર દ્વારા આ કલાકારોના સરળ ટ્રાન્સપોર્ટેશન માટે કામખ્યા-અમદાવાદની વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૨૮ માર્ચેની વહેલી સવારે ૦૩:૦૦ કલાકે આ કલાકારો નડિયાદ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેમને કુલ ૨૦ એસી કોચ બસોમાં વિશેષ પોલીસ પાયલોટિંગ ટીમ સાથે રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સિંગીછામ આર્ટ ફોર્મ સાથે સંકળાયેલા કલાકાર શ્રી સુષ્મા યોનઝોને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપવા માટે તેઓ ખૂબ જ આતુર છે. 

શું છે નાતો

ક્યાં સૌરાષ્ટ્રનું દરિયાકાંઠાનું માધવપુર અને ક્યાં માધવપુરથી 3000 કિમી જેટલા દૂર ઉત્તર-પૂર્વના રાજ્યો છતાં બંને પ્રદેશ વચ્ચે એવો ઊંડો નાતો કે જે યુગોથી લોકોના હૃદયમાં છે. આ નાતો વર્ષોથી ભારત વર્ષની બે સંસ્કૃતિની મિશાલ બનીને પ્રજ્લવિત રહ્યો છે અને તેના મૂળમાં છે ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનાં વિવાહ. પૌરાણિક કથાઓ સાહિત્યક ઉલ્લેખો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન માધવપુરમાં થયા હતા. આ વિવાહની યાદમાં વર્ષોથી – યુગોથી માધવપુર ઘેડમાં પાંચ દિવસનો મેળો ભરાય છે. જે હવે છેલ્લા ત્રણ વખતથી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું પ્રતીક બન્યો છે. મેળામાં ઉત્તર-પૂર્વના લોકો, અગ્રણીઓ અને કલાકારો માધવપુરમાં આવીને કલાનું કૌશલ્ય અને વિચારોનું આદાન પ્રદાન કરે છે અને સૌરાષ્ટ્રના ઘેડ પ્રદેશની સંસ્કૃતિને નિહાળે છે.

આ સમાચાર શેર કરો