GTUમાં કાયમી પરીક્ષા નિયામક કેમ નથી મળતા? ત્રણ ભરતી નિષ્ફળ, હવે ચોથી પ્રક્રિયાની તૈયારી

Gujarat Technological University: ગુજરાતની સૌથી મોટી સરકારી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ગણાતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)માં સ્થાપનાના 19 વર્ષ વિતી ગયા હોવા છતાં અત્યાર સુધી કાયમી પરીક્ષા નિયામક મળી શક્યા નથી. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં ત્રણ વખત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં યોગ્ય અને લાયક ઉમેદવાર ન મળવાને કારણે આ મહત્ત્વનું પદ ખાલી રહ્યું છે. પરિણામે છેલ્લા 19 વર્ષથી સમગ્ર પરીક્ષા વિભાગનું સંચાલન ઇન્ચાર્જ પરીક્ષા નિયામકના ભરોસે ચલાવવામાં આવી રહ્યું છે.
લાખો વિદ્યાર્થીઓ અને વિશાળ પરીક્ષા કામગીરીનું ભારણ
જીટીયુ એ રાજ્યની અગ્રણી શૈક્ષણિક સંસ્થા છે, જ્યાં દર વર્ષે 4થી 5 લાખ વિદ્યાર્થીઓની સેમેસ્ટર પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. યુનિવર્સિટીમાં ચાલી રહેલા વિવિધ ટેકનિકલ અને વ્યાવસાયિક કોર્સમાં દર સેમેસ્ટરે 80થી વધુ પરીક્ષાઓ યોજવી પડે છે. રાજ્યના તમામ ઝોનમાં આવેલી કોલેજોમાં પરીક્ષા લેવાની થતી હોવાથી અન્ય સરકારી યુનિવર્સિટીઓની સરખામણીએ જીટીયુના પરીક્ષા વિભાગની જવાબદારી અને કામગીરી ખૂબ જ વિશાળ તેમજ મહત્ત્વની બની રહે છે. આમ છતાં, યુનિવર્સિટીના સ્થાપના કાળથી જ કાયમી અધિકારીની ગેરહાજરી ચિંતાનો વિષય બની છે.
ઈન્ટરવ્યૂ નિષ્ફળ જતાં ચોથી વાર ભરતી પ્રક્રિયા હાથ ધરવી પડશે
તાજેતરમાં જ જીટીયુ દ્વારા વિવિધ ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતી સાથે ત્રીજી વખત પરીક્ષા નિયામકની જગ્યા માટે પ્રક્રિયા યોજવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન એક લાયક ઉમેદવારનું ઈન્ટરવ્યૂ પણ લેવાયું હતું, પરંતુ આખરી સિલેક્શન ન થઈ શકતાં આ ભરતી પ્રક્રિયા ફરી એકવાર નિષ્ફળ ગઈ છે. હવે યુનિવર્સિટી પ્રશાસને આ મહત્ત્વપૂર્ણ પદ માટે ચોથી વખત નવેસરથી ભરતી પ્રક્રિયા યોજવાની નોબત આવી છે.
પગાર સ્કેલનો વિવાદ અને ખાનગી ઉમેદવારોની લાયકાત મુખ્ય અડચણ
પરીક્ષા નિયામકની નિમણૂંક ન થઈ શકવા પાછળનું મુખ્ય કારણ છેલ્લા અનેક વર્ષોથી ચાલતો પગાર સ્કેલનો વિવાદ માનવામાં આવે છે. યુજીસી (UGC)ના નિયમો અનુસાર આ પદ માટે લેવલ-12 મુજબનો અનુભવ માંગવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા પગાર ધોરણ લેવલ-11 મુજબ જ ચૂકવવામાં આવે છે. આ ઓછા પગાર સ્કેલના કારણે અન્ય સરકારી યુનિવર્સિટીઓમાંથી અનુભવી અધિકારીઓ અહીં આવવા તૈયાર થતા નથી. બીજી તરફ, અરજી કરનારા ખાનગી યુનિવર્સિટીઓના ઉમેદવારો આટલી મોટી જવાબદારી સંભાળવા માટે લાયક જણાતા નથી.
આમ, પગાર નીતિના વિવાદ વચ્ચે અત્યાર સુધી 4થી 5 જેટલા ઇન્ચાર્જ પરીક્ષા નિયામકો બદલાઈ ચૂક્યા છે, પરંતુ 19 વર્ષ પછી પણ સંસ્થાને કાયમી નિયામક મળી શક્યા નથી.

