VIDEO: ગાંધીનગરના આંગણે મેટ્રો યુગ: CM ભૂપેન્દ્ર પટેલ અને નાયબ CM હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રો સફર માણી
VIDEO: ગુજરાતની જનતાને ઝડપી, આધુનિક અને ટ્રાફિકમુક્ત પરિવહન સુવિધા પૂરી પાડવાની દિશામાં રાજ્ય સરકાર વધુ એક પગલું આગળ વધી છે. આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં સવારી કરી હતી.
વિદ્યાર્થીઓ અને મુસાફરો સાથે સંવાદ
મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ એક સામાન્ય નાગરિકની જેમ જનતાની વચ્ચે બેસીને પ્રવાસ કર્યો હતો. તેમણે ટ્રેનમાં હાજર મુસાફરો, ખાસ કરીને યુવા વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો પાસેથી મેટ્રોના અનુભવ અને સમયની બચત અંગેના પ્રતિભાવો મેળવ્યા હતા. મુસાફરોએ પણ મુખ્યમંત્રીની આ સરળતાને વધાવી લીધી હતી અને મેટ્રો સુવિધા બદલ સરકારનો આભાર માન્યો હતો.
પરિવહન સુવિધામાં નવો પ્રાણ
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધવાથી લાખો લોકોને ફાયદો થશે. બીજા તબક્કાના આ રૂટ (મહાત્મા મંદિરથી સેક્ટર-10A થઈ જૂના સચિવાલય) પર મેટ્રો શરૂ થવાથી સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે મુસાફરી અત્યંત સુવિધાયુક્ત અને સસ્તી બનશે.
આ તકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મેટ્રોની ટેકનોલૉજી અને સુરક્ષા વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. આ પ્રોજેક્ટ ગુજરાતના શહેરી વિકાસના મોડેલને વધુ મજબૂત બનાવશે.

