રાજ્ય સરકારે 25 વર્ષે હાંસોલ તો 15 વર્ષે સિંગરવાની TP સ્કીમ મંજૂર કરી, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદમાં વિકાસ યોજનાઓની ધીમી ગતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં હાંસોલ અને સિંગરવા વિસ્તારની ટીપી (ટાઉન પ્લાનિંગ) સ્કીમોને મંજૂરી મળવામાં દાયકાઓ નીકળી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા હાંસોલમાં એરપોર્ટ રોડ, આર્મી કેન્ટોન્મેન્ટ અને સાબરમતી રિવરફ્રન્ટના વિસ્તારોને આવરી લેતી પ્રિલિમનરી ટીપી સ્કીમ નંબર 67ને અઢી દસકા (25 વર્ષ) બાદ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ સિંગરવાની પ્રિલિમનરી ટીપી સ્કીમ નંબર 118ને દોઢ દાયકા (15 વર્ષ) બાદ મંજૂર કરવામાં આવી છે. જોકે, આટલા લાંબા સમય બાદ પણ માત્ર પ્રિલિમનરી સ્કીમ જ મંજૂર થઈ હોવાથી આ યોજનાઓ આખરી એટલે કે ફાઈનલ ક્યારે થશે અને તેમાં કેટલા વર્ષો વીતી જશે, તેને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
ડ્રાફ્ટ મંજૂર થયાના વર્ષો બાદ પણ જમીન વિવાદને કારણે કામો અટવાયા
હાંસોલ વિસ્તારમાં ઉમ્મેદ હોટેલનો પાછળનો ભાગ, કેન્ટોન્મેન્ટ રોડ અને સાબરમતી નદી વચ્ચેની જમીનને આવરી લેતી ટીપી સ્કીમ નંબર 67નો ડ્રાફ્ટ વર્ષ 2002માં મંજૂર કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ સાબરમતી નદી પર હાંસોલ વિસ્તારને જોડતો બ્રિજ તેમજ એરપોર્ટથી રિવરફ્રન્ટ વચ્ચે ટનલ નિર્માણ કરવા જેવા મહત્ત્વકાંક્ષી આયોજનો કરવામાં આવ્યા હતા. પરંતુ જમીનને લગતા વિવિધ વિવાદોના કારણે આ ટીપી સ્કીમ લાંબા સમય સુધી ફાઈનલ થઈ શકી નહોતી. હવે અઢી દાયકા બાદ રાજ્ય સરકારે જમીનના હેતુફેર અને ક્ષેત્રફળમાં ફેરફાર સહિત કુલ 55 સુધારા સાથે આ પ્રિલિમનરી ટીપી સ્કીમ મંજૂર કરી છે.
રિવરફ્રન્ટ ફેઝ-2ના રસ્તા ખોલવામાં અડચણ અને નવા પ્રોજેક્ટ્સ

