સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત વહીવટી તંત્રમાં ફેરબદલ; પંચાયત વિભાગના 23 અધિકારીઓની બઢતી સાથે બદલી

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ક્લાસ-2 ના 23 અધિકારીઓને ક્લાસ-1 માં બઢતી આપીને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
વહીવટી માળખામાં મોટો ફેરબદલ
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, ગુજરાત વિકાસ સેવા (GVS), ક્લાસ-2 ના 23 જેટલા અધિકારીઓને હવે ગુજરાત વહીવટી સેવા (GAS - જુનિયર સ્કેલ) ક્લાસ-1 માં પ્રમોશન આપવામાં આવ્યું છે. આ બઢતીની સાથે જ જે-તે અધિકારીઓની નવી જગ્યાએ નિયુક્તિના આદેશો પણ કરી દેવામાં આવ્યા છે.
પગાર ધોરણ અને નિમણૂક
બઢતી મેળવનાર આ અધિકારીઓને પે મેટ્રીક્સ લેવલ-10 (રૂ. 56,100 થી રૂ. 1,77,500) ના પગાર ધોરણમાં મૂકવામાં આવ્યા છે. હાલમાં આ બઢતી તદ્દન હંગામી ધોરણે 'ઇન-સીટુ' આપવામાં આવી છે, જે વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે.
ચૂંટણી પહેલા કવાયત તેજ
સ્થાનિક ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પંચાયત અને ગ્રામ વિકાસ જેવા મહત્વના વિભાગોમાં થયેલી આ બઢતી અને બદલીઓ સૂચક માનવામાં આવી રહી છે. ગ્રામીણ સ્તરે સરકારી યોજનાઓના અમલીકરણ અને વહીવટી ગતિશીલતા વધારવા માટે આ ફેરફાર મહત્વનો સાબિત થશે.




