Gandhinagar news: ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (ગુડા)ના 2 કર્મચારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

Gandhinagar news: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એસીબીએ સફળ છટકું ગોઠવીને બે સરકારી કર્મચારીઓને રંગે હાથે લાંચ લેતા ઝડપી લીધા હતા. ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ગુડા)ના બે કર્મચારી એક સુપરવાઈઝર સિવિલ એન્જિનિયર અને એક જુનિયર કલાર્ક રૂપિયા 70 હજારની લાંચ લેતા ગાંધીનગર એસીબીએ ઝડપી પાડયા હતા.PM આવાસ યોજનામાં અરજદારોના નામ વેઈટિંગ લિસ્ટમાં હોવાથી તેઓને મકાન ફાળવી આપવાનું કહીં લાંચ માગી હતી.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગર શહેરમાં આવેલા ગુડાની સરકારી કચેરીમાં ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી બે સરકારી કર્મચારીઓને લાંચ સ્વીકારતા ઝડપી લીધા હતા. બાદમાં આ બંને સરકારી કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુડાના કર્મચારીઓ બે પૈકી એકનું નામ રોહનભાઈ કિશોરભાઈ પાર્કર કે જેઓ સુપરવાઈઝર સિવિલ એન્જિનિયર અને અન્ય નયનકુમાર અમૃતલાલ પરમાર કે જેઓ ગુડાની સરકારી કચેરીમાં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવે છે. આ ઝડપાયેલા બંને કર્મચારીઓએ PM આવાસ યોજનામાં મકાનોના ફાળવણીમાં વેઈટિંગ લિસ્ટમાં મકાન ફાળવણી અરજદારોને કરવામાં આવે તેના બદલામાં રૂપિયા 70 હજારની લાંચ માગી હતી. જે લાંચની રકમ સ્વીકારતા ગાંધીનગર એસીબીએ આ બંને કર્મચારીઓને ઝડપીલઈ તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

