Amreli News: સગાઈ કરેલ યુવતીની કરપીણ હત્યા કરનાર પિતા ઝડપાયો, યુવતીને હિંદુ યુવક સાથે હતો પ્રેમ
અમરેલી જિલ્લામાં ખાંભાના ડેડાણ ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પિતાએ 22 વર્ષીય પુત્રીની હત્યા કર

અમરેલી જિલ્લામાં ખાંભાના ડેડાણ ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પિતાએ 22 વર્ષીય પુત્રીની હત્યા કરી હતી. યુવતીના પ્રેમસંબંધને કારણે પરિવારજનો નારાજ હતા. આ દરમિયાન દીકરી પણ ગામના હિન્દુ યુવક કાના સાથે લગ્ન કરવા જીદે ચડી હતી પરંતુ યુવક અન્ય ધર્મનો હોવાથી પિતા રાજી ન હતા. દીકરીએ જીવના જોખમને પગલે 181 અભયમની મદદ માગી હતી. ટીમ પહોંચી પણ હતી. જોકે, સમાજમાં ઈજ્જત બચાવવા પિતાએ વ્હાલસોયી દીકરીની ગળુ દબાવી હત્યા કરી હતી. એટલું જ નહીં તેને ઘરમાં વ્યવસ્થિત સુવાડી દીધી હતી. ટીમ પહોંચી પણ દીકરી ન ઉઠી એટલે પોલીસ આવતાં બનાવનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસ આ બનાવમાં ફરિયાદી બની છે.
પોલીસ પોતે ફરિયાદી બન્યા અને આરોપીને ઝડપ્યો
અહીં ખાંભાના ડેડાણ ગામમાં ઓનરકિલિંગની ઘટના સામે આવી છે. ઇશિકાબેન ખોખર નામની 22 વર્ષીય યુવતીને ગામના કાના નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો. પરિવારજનો અન્ય જગ્યાએ યુવતીની સગાઈ કરી લગ્ન કરવા માંગતા હતા. પરંતુ દીકરીને પ્રેમસંબંધ હોવાને કારણે સમાજમાં આબરૂ જવાની બીકે યુવતીના સગો બાપ એવા મજીદભાઇ ગુલાબભાઇ ખોખરે રાત્રિના સમયે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઈ ખાંભા પોલીસ એ.એસ.પી.જયવીર ગઢવી સહિત પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ખાંભા પોલીસ ફરિયાદી બની હતી. અને આરોપી પિતા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ખાંભા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.રવિરાજ સિંહ ચૌહાણ જાતે જ ગઈ કાલે ફરીયાદી બન્યા હતા. જેમાં ફરિયાદ નોંધાઈ તે પ્રમાણે, રાત્રિના સમયે હત્યા પહેલા અભયમ 181 મહિલા હેલ્પલાઇનને જાણ કરી મદદ માંગવામાં આવી હતી. પરંતુ, અહીં પહોંચી પરિવારજનોને પૂછતાં કહ્યું કે યુવતી સૂતી છે. બાદમાં તેને બોલાવતા તે બોલી નહીં હોવાને કારણે પોલીસને બોલાવતા ફાંડો ફૂટ્યો હતો.





