સુરતમાં રસોઈ બનાવતી વખતે ગેસ શરૂ કરતાં થયો બ્લાસ્ટ, બે કાકા સહિત ભત્રીજ દાઝ્યા ગંભીર રીતે
સુરતમાં થોડા દિવસ અગાઉ ગેરકાયદે ચાલતા ગેસ રી-ફિલિંગમાં બ્લાસ્ટ થતાં એકનું મોત થયાની ઘટના હજુ વિસરાઈ નથ

સુરતમાં થોડા દિવસ અગાઉ ગેરકાયદે ચાલતા ગેસ રી-ફિલિંગમાં બ્લાસ્ટ થતાં એકનું મોત થયાની ઘટના હજુ વિસરાઈ નથી. ત્યાં અમરોલીના અંજની ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એક જ રૂમમાં રહેતા બે કાકા અને ભત્રીજો રસોઈની તૈયારી કરી રહ્યા હતાં. તે દરમિયાન ગેસ શરૂ કરતી વખતે જ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેથી બે કાકા અને ભત્રીજો દાઝી ગયાં હતાં. જેથી તેમને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
ગંભીર રીતે દાઝ્યા
અંજની ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કારખાનાના છઠ્ઠા માળે એક રૂમમાં જીતેન્દ્ર રાજનાથ સીંગ તેનો ભાઈ દિલીપ રાજનાથ સીંગ અને તેમનો ભત્રીજો વિશાલ અરવિંદ સીંગ રાત્રે રૂમમાં હાજર હતા. ત્યારે અચાનક રૂમની અંદર બ્લાસ્ટ થયો હતો.જેને પગલે રૂમની અંદર આગ પણ લાગી ગઈ હતી. આ ઘટનામાં ત્રણે જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યારે ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં નાસભાગ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.ઘટના અંગે જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ તેમજ 108 એમ્બ્યુલેન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દાઝેલી હાલતમા ત્રણેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ગેસનો ચૂલો ચાલુ કરતાં જ લાગી આગ
હાલમાં ત્રણેની બર્ન્સ વોર્ડમાં સારવાર ચાલી રહી છે. વધુમાં જાણવા મળ્યું હતું કે બને ભાઈયો જીતેન્દ્ર સીંગ અને તેને ભાઈ દિલીપ સીંગ ગંભીર રીતે દાઝી ગયા છે. જ્યારે તેમનો ભત્રીજો વિશાલ સામાન્ય દાઝયો છે. બન્ને ભાઈયો જીતેન્દ્ર અને દિલીપ તથા ભત્રીજો વિશાલ ત્રણે જણા સાથે અંજની ઈન્ડસ્ટ્રીઝ ખાતે વોરપિંગ મશીનના કારખાના કામ કરે છે. અને કારખાનાની ઉપર છઠ્ઠા માળે એક જ રૂમમાં સાથે રહે છે. ગત રાત્રે કામ પરથી છૂટયા બાદ ત્રણે સાથે જ રૂમ હાજર હતા અને રસોઈ બનાવવાની તૈયારી કરતા હતા. જેમાં જીતેન્દ્ર શાકભાજી કાપી રહ્યો હતો અને વિશાલ તેની પાસે બેસેલો હતો. દિલીપ રસોઈ બનાવવા માટે ગેસનો ચૂલો ચાલુ કરવા ગયો ત્યારે જ બ્લાસ્ટ થયો હતો.







