હિંદુ જાગરણ માટે કાર્યરત સંગઠનોના પ્રયાસો છતાં અવગણના, ગામ લોકોએ દલિત સમાજનો કર્યો સામાજિક બહિષ્કાર
વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે શિવ મંદિર અને અન્ય ત્રણ મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલ

વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે શિવ મંદિર અને અન્ય ત્રણ મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજને અવગણવામાં આવ્યો હતો. 8થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોનો ફાળો લેવામાં આવ્યો નહીં. ગામના સરપંચ, જે અનુસૂચિત જાતિના છે, તેમનો ફાળો પણ નકારવામાં આવ્યો હતો.
આયોજક નાસી ગયા
આ કાર્યક્રમ દરમિયાન 2 પીએસઆઈ અને 1ડીવાયએસપીની હાજરીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. 16 જાન્યુઆરીએ આ ભેદભાવની જાણ ગાંધીનગરથી ઈન્દ્રજિતસિંહ સોઢાને થઈ હતી. 25 જાન્યુઆરીએ ઈન્દ્રવદન બારોટ અને શંકરભાઈ પટેલ કલ્યાણપુરા ગામે પહોંચ્યા હતાં. તેઓએ મંદિરના મુખ્ય સંચાલક ભલાભાઈ દૈયા સાથે વાત કરી હતી. જેથી ભલાભાઈએ મંદિર કમિટીને પૂછ્યા બાદ જવાબ આપવાની ખાતરી આપી હતી. બાદમાં અનુસૂચિત સમાજના વડીલો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી.1 ફેબ્રુઆરીએ રઘુવીરસિંહ જાડેજા કલ્યાણપૂરા ગમે આવ્યા હતાં. પરંતુ મુખ્ય આયોજક ભલાભાઈ દૈયા ત્યાંથી નાસી ગયા હતા.
સમાધાન માટે પ્રયત્નો
5 અને 6 ફેબ્રુઆરીએ હિંદુ યુવા સંગઠન-ભારત દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. મામલતદારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કાર્યક્રમને મંજૂરી નહીં મળે. જે બાદ 4 ફેબ્રુઆરીએ સુઈગામ પીએસઆઈ એ આયોજકો સાથે વાત કરી હતી. પરંતુ કોઈ ફેરફાર થયો નહીં. 7 ફેબ્રુઆરીએ ડીવાયએસપી સામતભાઈ વારોતરીયાને જાણ કરવામાં આવી હતી. ડીવાયએસપી એ સમાધાન માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ અંતે દલિત સમાજનો ફાળો સ્વીકારવામાં આવ્યો નહીં.
ભેદભાવ સામે મૌન
9 ફેબ્રુઆરીએ ઈન્દ્રવદન બારોટે મુખ્યમંત્રીને પત્ર લખી ઈમેઈલ કર્યો હતો. પત્રની નકલ સામાજિક ન્યાય મંત્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, જિલ્લા પોલીસ વડા, કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર, અને સ્થાનિક મીડિયાને મોકલવામાં આવ્યો હતો. 18 ફેબ્રુઆરીએ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો હતો.આ ઘટનાએ હિન્દુ ધર્મના સમરસતા સંદેશ પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. દલિત સમાજે શાંતિ જાળવી, પરંતુ ભેદભાવ સામે ન્યાય માટે લડત ચાલુ રાખી હતી. 21 મી સદીમાં પણ આવા ભેદભાવ સામે તંત્ર મૌન છે.







