Dang news: મિલન ધોધમાં તાપીના બે યુવકોનું ડૂબી જતા મોત, મૃતદેહને ઝોળીમાં લઈ જવા પડ્યા

Dang news: ડાંગ જિલ્લાના ખાતળ માછળી ગામ વચ્ચે આવેલા પ્રખ્યાત મિલન ધોધમાં બે યુવકો ડૂબી જતાં મોત થયા છે. તાપી જિલ્લાના બે યુવકો મિલન ધોધમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન બંને ડૂબી ગયા હતા, ત્યારબાદ સ્થાનિક ગ્રામજનો અને રૅસ્ક્યૂ ટીમે યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી હતી. ધોધ નજીક પાણી ઊંડું અને ડોહળું હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. કલાકોની મહેનત બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, મૃતક યુવકો તાપી જિલ્લાના રામપુરા ગામના વતની છે. તેમની ઓળખ મિહિરભાઈ મહેન્દ્રભાઈ ગામીત (ઉંમર 20) અને નિહિતભાઈ નિતેશભાઈ ગામીત (ઉંમર 25) તરીકે થઈ છે.
રૅસ્ક્યૂ માટે સંસાધનોની અછત! ડાંગ જિલ્લા તંત્ર પાસે કોઈપણ પ્રકારની પૂર માટે કે લોકોના ડૂબી જવાના કિસ્સામાં રૅસ્ક્યૂ કરવા માટે સંસાધન ન હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, મામલતદાર ત્યાં હાજર હોવા છતાં એમ્બ્યુલન્સ ન બોલાવી શક્યા. મૃતદેહને ઝોળીમાં લઈ જવા પડ્યા હતા.

આ મામલે તંત્ર મૌન છે. જો કે, ધોધમાં ન્હાવાની મનાઈ હોવા છતાં પણ લોકો પાણીમાં ન્હાવા માટે કૂદી પડતા હોય છે. ઉલ્લેખનીય છે કે, ડાંગ વહીવટી તંત્ર દ્વારા આવા ધોધ અને જળાશયોમાં નહાવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં, પ્રવાસીઓ સાવચેતી રાખ્યા વિના ધોધમાં ઉતરતા આવા દુર્ભાગ્યપૂર્ણ બનાવો બનતા રહે છે. આ ઘટના ફરી એકવાર પ્રવાસીઓની સુરક્ષા અને નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. સ્થાનિક તંત્ર દ્વારા ગુમ થયેલા યુવકોને શોધવા માટે તમામ પ્રયાસો કરાયા હતા.

