દાહોદમાં વિકાસ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, જમીન સંપાદન મુદ્દે યોગ્ય વળતર નહીં અપાય તો ઉગ્ર આંદોલનની ચિમકી

દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના આશરે 40 ગામોના ખેડૂતો મીરાખેડી ખાતે એકત્ર થઈ જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો.
ખેડૂતોમાં જમીન ગુમાવવાનો ભય
ખેડૂતોના જણાવ્યા મુજબ, દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર, GIDC, એરપોર્ટ અને નવી રેલવે લાઈન સહિતના વિવિધ પ્રોજેક્ટ માટે ખેતીની જમીનો સંપાદિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઠુંઠીકંકાસિયા–દેહગામ પ્રસ્તાવિત 6 લેન રોડ અને દાહોદ–ધાવડિયા 4 લેન રોડના કારણે પણ જમીન ગુમાવવાનો ભય ખેડૂતોમાં છે.
ઉગ્ર આંદોલનની ચિમકી
ખેડૂતોનું કહેવું છે કે માત્ર ખેતીની જમીન જ નહીં, પરંતુ મકાન, કુવા અને અન્ય મિલકતો પણ પ્રોજેક્ટની ઝપેટમાં આવી શકે છે. જમીન સંપાદનથી ખેડૂતોના જીવનનિર્વાહ પર સીધી અસર થવાની રજૂઆત કરવામાં આવી છે.
ખેડૂતોએ જમીન સંપાદન પહેલાં અસરગ્રસ્ત પરિવારોના હિતો અને જીવનનિર્વાહને ધ્યાનમાં લેવા, યોગ્ય વળતર આપવા તેમજ અસરગ્રસ્ત પરિવારોના યોગ્ય પુનર્વસનની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

