Dahodમાં બે ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત; પરેલમાં ક્રૂઝરે વૃદ્ધને અડધો કિમી ઢસડ્યા, તો લીમડી હાઈવે પર બે બાઈક વચ્ચે ટક્કર

દાહોદમાં અકસ્માતની બે ઘટના બની જેમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. દાહોદના પરેલ વિસ્તારમાં એક બેફામ ગતિએ આવતી ક્રૂઝર ગાડીના ચાલકે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લઈ, માનવતા નેવે મૂકી તેમને અડધો કિલોમીટર સુધી રસ્તા પર ઢસડ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
દાહોદ નજીક આવેલા વાંદરીયા ગામના 63 વર્ષીય ગરાસિયા મોહનભાઈ પોતાની સાયકલ પર જઈ રહ્યા હતા. તે સમયે પરેલના ત્રણ રસ્તા પાસે એક પૂરપાટ ઝડપે આવતી ક્રૂઝર ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે મોહનભાઈ ગાડી નીચે ફસાઈ ગયા હતા, તેમ છતાં ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે ભગાડી મૂકી હતી. અકસ્માત સર્જી ભાગી છૂટવાની ફિરાકમાં રહેલા ક્રૂઝર ગાડીના ચાલકને પોલીસે પકડી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લીમડી હાઈવે પર સર્જાયો બીજો અકસ્માત
લીમડી હાઈવેના ના કાળી મહુડી ગામે બે બાઈકચાલક વચ્ચે અકસ્મત સર્જાયો હતો. જેમાં બે લોકોનાં મોત થયા. જ્યારે એક ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્તને 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ અકસ્માતની ઘટના ગઈકાલે મોડી સાંજે બની હતી. બે લોકોના મોત થતા પરિવારમાં ગમગીનીનો માહોલ છે. ત્યારે આ ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

