Dahod-ગરબાડા હાઈવે પર હિટ એન્ડ રન; પુરપાટ ઝડપે આવતી કારે રાહદારીને અડફેટે લીધો

દાહોદ-ગરબાડા હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. મોટી ખરજ ગામ પાસે એક અજાણ્યા ફોરવ્હીલ ચાલકે રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ચાલક વ્યક્તિને આશરે 500 મીટર સુધી ઢસડી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં 42 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, મોટી ખરજ ગામના રહેવાસી રાકેશભાઈ ખપેડ (ઉંમર 42 વર્ષ) હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતી એક અજાણી ફોરવ્હીલ ગાડીએ તેમને અડફેટે લીધા હતા. ટક્કર માર્યા બાદ ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે ભગાવી મૂકી હતી, જેમાં રાકેશભાઈ ગાડી સાથે ફસાઈ જતાં આશરે 500 મીટર સુધી રસ્તા પર ઘસડાયા હતા. ગંભીર ઈજાઓ અને ઘર્ષણને કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું.
અકસ્માત સર્જીને અજાણ્યો ગાડી ચાલક ફરાર થઈ ગયો હતો. ગરબાડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રાકેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી છે.

